CEPA વાટાઘાટો વચ્ચે કેનેડાનું ૩૦ વર્ષમાં સૌથી મોટું વેપારી મિશન ભારતમાં

ટોરેન્ટો: કેનેડા અને ભારત વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેનેડા આવતા અઠવાડિયે ભારત સાથેના વેપારી સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે લગભગ ૩૦૦ સભ્યોનું એક વિશાળ વ્યાપારી પ્રતિનિધિમંડળ (બિઝનેસ ડેલિગેશન) મુંબઈ અને બેંગલુરુ મોકલી રહ્યું છે. આશરે ૩૦ વર્ષ કરતાં વધુ સમયમાં ભારત મોકલવામાં આવી રહેલું આ કેનેડાનું સૌથી મોટું વેપારી મિશન છે.કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુના નેતૃત્વ હેઠળ આવી રહેલું આ પ્રતિનિધિમંડળ ૧૨ થી ૧૭ ઓક્ટોબર દરમિયાન ભારતના પ્રવાસે રહેશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત ‘કોમ્પ્રીહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ’ (CEPA) એટલે કે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પરની વાટાઘાટોને વેગ મળશે. બંને દેશોએ વર્ષ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારને ૭૦ બિલિયન ડૉલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

આ પ્રવાસ દરમિયાન કેનેડિયન કંપનીઓ ખાસ કરીને ક્રિટિકલ મિનરલ્સ, ઊર્જા (Energy), કૃષિ, ટેકનોલોજી, ઓટોમોટિવ અને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) બેટરી ઈન્ડસ્ટ્રી જેવા ક્ષેત્રોમાં ભારતીય ભાગીદારો સાથે મળીને વેપારી તકોની શક્યતાઓ તપાસશે. કેનેડાએ આર્થિક અનિશ્ચિતતાના આ સમયમાં ભારતને એક વિશ્વસનીય ભાગીદાર ગણાવતા સપ્લાય ચેઈનના વૈવિધ્યીકરણ માટે ભારત સાથે ભાગીદારી મજબૂત કરવાની કટિબદ્ધતા દર્શાવી છે.