પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. 28 ઓગસ્ટના રોજ યોજાયેલા પશ્ચિમ બંગાળ તૃણમૂલ છાત્ર પરિષદ (WBTMCP) ના સ્થાપના દિવસના કાર્યક્રમ દરમિયાન કલકત્તા હાઈકોર્ટની માર્ગદર્શિકાનો અનાદર કરવા બદલ તૃણમૂલ કોંગ્રેસના વડાં અને મુખ્યમંત્રી મમતા બેનરજી તેમજ કાર્યક્રમના આયોજકો સામે કોલકાતાના હેસ્ટિંગ્સ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો અને પોલીસ ફરિયાદ?
પોલીસ ફરિયાદ અનુસાર, કેથોડ્રલ રોડ પર આયોજિત આ કાર્યક્રમ દરમિયાન તૃણમૂલ છાત્ર પરિષદના સભ્યોએ સુરક્ષા માટે લગાવેલા બેરિકેડ્સ બળપૂર્વક તોડી નાખ્યા હતા. આ ઉપરાંત ફરજ પર તૈનાત પોલીસકર્મીઓ સાથે ઘર્ષણ કરીને ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવી નાખી હતી. હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી સમયમર્યાદા સમાપ્ત થયા પછી પણ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો હોવાનો આયોજકો પર આક્ષેપ છે.
હેસ્ટિંગ્સ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે:
કલમ 61(2): ગુનાહિત કાવતરું (Criminal Conspiracy)
કલમ 223: સરકારી આદેશનો અનાદર કરવો
કલમ 125(a): અન્ય લોકોના જીવનને જોખમમાં મૂકવું
કલમ 132: સરકારી કર્મચારીને ફરજ બજાવતા રોકવા હુમલો કે બળપ્રયોગ કરવો
કલમ 285: જાહેર માર્ગ પર અવરોધ ઊભો કરવો
હાઈકોર્ટનો શું આદેશ હતો?
કલકત્તા હાઈકોર્ટના નિર્દેશ મુજબ સભા રસ્તાની એક તરફ યોજવાની હતી જેથી બાજુની લેનમાંથી વાહનવ્યવહાર સરળતાથી ચાલી શકે. જોકે, અતિશય ભીડના કારણે જ્યારે ટ્રાફિક જામ થયો, ત્યારે મમતા બેનરજીએ પોતે ભાષણ રોકીને પરિસ્થિતિ હળવી કરવા મધ્યસ્થી કરવી પડી હતી. તેમણે નબળી પોલીસ વ્યવસ્થા સામે નારાજગી વ્યક્ત કરીને કાર્યક્રમને નિષ્ફળ બનાવવાનું કાવતરું હોવાનો આક્ષેપ કર્યો હતો.
મમતા બેનરજીના ભાજપ પર આકરા પ્રહારો
આ જ કાર્યક્રમમાં સભાને સંબોધતા મમતા બેનરજીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપે બળજબરીથી બંગાળની સત્તા કબજે કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું, “ચોરી કરીને બંગાળ પર કબજો કરવાનો પ્રયાસ થયો છે, પરંતુ ટૂંક સમયમાં બંગાળમાં પરિવર્તન આવશે અને તૃણમૂલ કોંગ્રેસ પૂરા જોશ સાથે વાપસી કરશે.” મમતાએ ઉમેર્યું કે બાહુબળથી બધું ચલાવી શકાતું નથી.
નોંધનીય છે કે, કોર્ટના આદેશ મુજબ કેથોડ્રલ રોડ પર મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે બળવાખોર જૂથે અન્ય સ્થળે કાર્યક્રમ રાખ્યો હતો. હાઈકોર્ટે મેયો રોડ પર સભા કરવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી હતી.

