ઝોમેટોએ ઉબર ઈટ્સ ઈન્ડિયાને રૂ. 2,500 કરોડમાં ખરીદી લીધી

મુંબઈ – ઓનલાઈન ઓર્ડર લઈને ફૂડ ડિલીવર કરતી કંપની ઝોમેટોએ ઓલ-સ્ટોક સોદામાં અમેરિકાસ્થિત ઉબર કંપનીની ભારતસ્થિત ફૂડ ડિલીવર સર્વિસ કંપની ઉબર ઈટ્સનો બિઝનેસ રૂ. 2,500 કરોડમાં ખરીદી લીધો છે. ઉબર ઈટ્સ અને ઝોમેટો વચ્ચેનો સોદો 35 કરોડ ડોલર (રૂ. 2,485 કરોડ)માં થયો હોવાનું કહેવાય છે.

ઉબર અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો સ્થિત રાઈડ-હેઈલિંગ કંપની છે.

ઉબર ઈટ્સની ખરીદીના સમાચારને ઝોમેટો તથા ઉબર, બંને કંપનીએ એક નિવેદન બહાર પાડીને જાહેર કર્યા છે.

ઉબર ઈટ્સ ભારતમાં આજથી જ અમલમાં આવે એ રીતે તેની બિઝનેસ કામગીરીઓ બંધ કરી દેશે અને તેની રેસ્ટોરન્ટ્સ, ડિલીવરી ભાગીદારો તથા એની ઉબર ઈટ્સ એપના યુઝર્સને ઝોમેટો પ્લેટફોર્મ પર ડાયરેક્ટ કરી દેશે.

આમ હવે ભારતમાં ઓનલાઈન ફૂડ ડિલીવરી સેવાના ક્ષેત્રમાં ઝોમેટો અને સ્વિગી વચ્ચે એમ બે વચ્ચે જ ટક્કર રહેશે.

ઝોમેટો કંપની ઉબરને ભારતના ખાદ્ય વિતરણ (ફૂડ ડિલીવર) અને રેસ્ટોરન્ટ્સ ખોજ પ્લેટફોર્મ પર 9.99 ટકાનો હિસ્સો આપશે.

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઉબર ઈટ્સ ભારતમાં સક્રિય નહીં રહે. અને તેના યુઝર્સ જ્યારે તેઓ લોગઈન કરશે ત્યારે ઝોમેટો પ્લેટફોર્મ પર ડાયરેક્ટ થઈ જશે.

આ સોદાને કારણે ઉબર ઈટ્સના ભારતમાંના આશરે 200 જેટલા કર્મચારીઓને માઠી અસર પડશે, કારણ કે ઝોમેટો એમને સમાવવાની નથી.

ઝોમેટોના સીઈઓ દીપિન્દર ગોયલે નિવેદનમાં કહ્યું છે કે રેસ્ટોરન્ટ ડિસ્કવરી ક્ષેત્રમાં અમે અગ્રણી છીએ અને ભારતમાં 500થી વધારે શહેરોમાં ફૂડ ડિલીવરી બિઝનેસના આરંભકર્તા હોવાનો અમને ગર્વ છે. ઉબર ઈટ્સને હસ્તગત કરવાથી આ કેટેગરી (ક્ષેત્ર)માં અમારી સ્થિતિ વધારે મજબૂત થશે.

ઉબર ઈટ્સ 2017માં ભારતમાં પ્રવેશી હતી. તેના ઓનલાઈન પ્લેટફોર્મ પર ભારતના 41 દેશોમાંની આશરે 26 હજાર રેસ્ટોરન્ટ્સ લિસ્ટેડ થયેલી છે.

ઝોમેટો અને સ્વિગી વચ્ચેની સ્પર્ધા તીવ્ર બની જતાં ઉબર ઈટ્સ માટે ભારતમાં બિઝનેસ કરવાનું મુશ્કેલ બની ગયું હતું અને એ ખોટ કરી રહી હતી.

(ડાબે) ઝોમેટોના દીપિન્દર ગોયલ, (જમણે) ઉબરના દારા ખોસરોશાહી

2019ના ડિસેંબર સુધીના પાંચ મહિનાના સમયગાળા દરમિયાન ઉબર ઈટ્સ રૂ. 2,197 કરોડની ખોટ કરશે એવો અંદાજ વ્યક્ત કરાયો હતો.

ભારતમાં ફૂડ બિઝનેસ વેચી દીધા બાદ ઉબરના સીઈઓ દારા ખોસરોશાહીએ એક નિવેદનમાં કહ્યું છે કે, ઉબર માટે ભારત અસાધારણ રીતે મહત્ત્વનું માર્કેટ તરીકે યથાવત્ રહેશે અને અમે અમારો સ્થાનિક રાઈડ્સ બિઝનેસ વધારવા માટે મૂડીરોકાણ કરવાનું ચાલુ રાખીશું, જે કેટેગરીમાં અમે અગ્રેસર છીએ. ઝોમેટોએ ફૂડ ડિલીવરી બિઝનેસમાં જે ટૂંકા ગાળામાં વૃદ્ધિ હાંસલ કરી છે એનાથી અમે પ્રભાવિત થયા છીએ અને સફળતાની આ સફર ચાલુ રહે એવી અમારી એને શુભેચ્છા છે.