કોરોનાએ 500 અમીર લોકોના 444 અરબ ડોલર ડૂબાડ્યાં

નવી દિલ્હીઃ ગયું અઠવાડિયું રોકાણકારો માટે કોઈ ખરાબ સ્વપ્ન જેવું રહ્યું. કેટલાય મોટા-મોટા રોકાણકારોએ લાખો-કરોડો રુપિયા ગુમાવ્યા. અરબપતિઓ માટે પણ આ અઠવાડિયું ખૂબ ખરાબ રહ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના વાયરસ ફેલાવાના કારણે શેરબજાર નીચું આવ્યું અને દુનિયાભરના 500 સૌથી અમીલ લોકોએ 444 અરબ ડોલર ગુમાવી દીધા. એક રિપોર્ટ અનુસાર Dow Jones Industrial Average માં ગત સપ્તાહે 12 ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો. વર્ષ 2008 ના નાણાકીય સંકટ બાદ આ પાંચ દિવસના સત્રમાં મોટો ઘટાડો નોંધાયો. આનાથી રોકાણકારોના કરોડો રુપિયા ડૂબી ગયા.

Bloomberg Billionaires Index અનુસાર દુનિયાના ત્રણ સૌથી અમીર વ્યક્તિઓ જેફ બેજોસ, બિલ ગેટ્સ, અને બર્નાર્ડ અરનાલ્ટને આ સપ્તાહે સૌથી વધારે નુકસાન થયું છે. આ ત્રણેય લોકોની સંપત્તિમાં 30 અરબ ડોલરનો ઘટાડો થયો છે.

વિશ્વના 25મા સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક 9 અરબ ડોલરના નુકસાન સાથે નુકસાનીમાં ચોથા સ્થાન પર છે. તેમની કંપની ટેસ્લાના શેર આ વર્ષની શરુઆતમાં ખૂબ તેજીથી વધ્યા હતા અને તેમાં ઘટડો આવવાથી મસ્કને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. તેમની પાસે 36.3 અબજ ડોલરની સંપત્તિ છે.

સ્વાસ્થ્ય વિભાગના અધિકારી આ વાયરસને પ્રસરતો અટકાવવામાં હજી નિષ્ફળ રહ્યા છે. મોટાભાગના દર્દીઓમાં આ વાયરસના કારણે ન્યૂમોનિયા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને અત્યારસુધી આ બીમારીને પૈડેમિક જાહેર કરી નથી.