વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે ઈકોનોમિક ટાસ્ક ફોર્સ રચના કરી હતી તે ટાસ્ક ફોર્સે પોતાનું ટાસ્ક (કામ) ફોર્સ સાથે શરૂ કરી દીધું છે. નાણાપ્રધાનના વડપણ હેઠળ આ ટાસ્ક ફોર્સે ગુરુવારે તેના બીજા પેકેજની જાહેરાત કરી હતી. હજી બેથી ત્રણ પેકેજની આશા રાખી શકાય. કોરોના સામેની લાંબી લડાઈને ધ્યાનમાં રાખતાં વધુ રાહત આવશે. મોદી સરકાર ધીમી પણ મકકમ ગતિએ પગલાં ભરી રહી છે. પ્રથમ રાહત પેકેજમાં મોદી સરકારનું લક્ષ્ય ગરીબ અને વંચિત વર્ગ છે, હવે પછીની જાહેરાત માર્ચ અંતે અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં આવી શકે. રિઝર્વ બેંકની નાણાં નીતિમાં તો અવશ્ય જ આવશે. કોઈ કંઈ પણ કહે, મોદી સરકાર બહુ સમજી-વિચારી અને પદ્ધતિસર આગળ વધી રહી છે. આમાં ડહાપણ અને શાણપણ સ્પષ્ટ દેખાય છે. નાના-મધ્યમ અને મોટા વેપાર-ઉદ્યોગ માટેની રાહત પણ પાઇપલાઇનમાં છે.
કોરોના સામેની લડત લાંબી છે, રાહતની યાદી પણ લાંબી બનશે
પ્રથમ ગરીબ–જરૂરતમંદ વર્ગને આવરી લીધા બાદ હવે પછી નાનાથી મોટા વેપાર–ઉધોગ માટેનો વારો નકકી છેઃ રિઝર્વ બેંકની નાણાં નીતિમાં ચોકકસ આર્થિક રાહત આવશે, એમાં કોઈ બેમત નથી…
જેની આતુરતાપુર્વક રાહ જોવાતી હતી એ આર્થિક રાહતના પગલાંની જાહેરાત આજથી (ગુરુવારથી) શરૂ થઈ હતી. નાણાપ્રધાન નિર્મલા સિતારમણે આમ તો આ બીજી જાહેરાત કરી છે, જોકે પહેલા તબકકાની જાહેરાતમાં તેમણે કેટલીક વિધિ વિષયક કે વહીવટી રાહત આપી હતી, જેમ કે કરવેરાના નિયમો, વિધિ પતાવવા માટે વધુ સમય આપવો, વગેરે. હવે બીજી જાહેરાતમાં પીએમ ગરીબ કલ્યાણ યોજના મારફત ગરીબ અને અત્યંત જરૂરતમંદ વર્ગ માટે 1.70 લાખ કરોડના રાહત પેકેજ આપ્યું છે.
અમેરિકા અને આપણા દેશની રાહત
એક તરફ અમેરિકા જેવો દેશ અબજો ડોલરના રાહત પેકેજ એક સાથે જાહેર કરીને અર્થતંત્રને કોરોનાને કારણે તૂટતું બચાવવા સખત પ્રયાસ કરી રહ્યો છે ત્યારે ભારત સરકાર આ કામ ધીમી ગતિએ શરૂ કર્યુ છે યા તેણે ધીમેથી શરૂ કરવું પડી રહ્યું છે, કારણ કે ભારત અને અમેરિકા અથવા અન્ય વિકસિત દેશો વચ્ચે ઘણા પ્રકારના ફરક છે. જે કાર્ય અન્ય દેશો માટે સરળ છે તે ભારત માટે કપરું છે. વાસ્તે, આ વિષયમાં મોદી સરકારની સમજણ વિના ટીકા કરવી વાજબી નહીં ગણાય. કહેવાય છે કે મોદી સરકારે તેના દરેક ખાતાના પ્રધાનો સાથે ચર્ચા ચાલુ રાખીને લાંબા ગાળાનો પ્લાન તૈયાર કર્યો છે, કેમ કે આ લડાઈ કેટલી લાંબી ચાલશે અને આગળ જતાં કેવો વળાંક લેશે એ હાલ કહેવું ખૂબ કઠિન છે. અત્યારના 21 દિવસનો લોક ડાઉનનો સમયગાળો બહુ સંવેદનશીલ છે. સરકાર માટે પહેલાં લોકોના જીવ બચાવવા વધુ મહત્ત્વની અને અગ્રતાની બાબત છે. જાન હૈ તો જહાન હૈની ફિલસૂફીને ધ્યાનમાં રાખી સરકારે પ્રથમ ચરણમાં લોકોને ઘરમાં જ રહેવાની સખત અને શિસ્તબદ્ધ સૂચના આપી, એ પછી બીજા ચરણમાં 21 દિવસના બંધનો ગાળો જાહેર કરાયો અને હવે આર્થિક રાહતના પેકેજની શ્રેણી શરૂ કરવામાં આવી છે.
સરકારની પ્રાધાન્યતા ગરીબ વર્ગ
મિડિયા અથવા ચોકકસ વર્ગને એમ લાગતું હશે કે મોદી સરકાર રાહત પેકેજ જાહેર કરવામાં વિલંબ કરી રહી છે, કિંતુ આજે જે રીતે નાણાપ્રધાને જાહેરાત સાથે સંકેત આપ્યા એ સમજવા અને નોંધવા જેવા છે. સરકારનું પ્રથમ લક્ષ્ય અને પ્રાધાન્ય ગરીબ, શોષિત,પછાત અને બિન-સંગઠિત સેકટરમાં કામ કરતા વર્ગ છે, જેમાં સરકારે મહિલાઓને પણ ખાસ ધ્યાનમાં રાખી છે. લોકોના પેટમાં અનાજ પહોંચવું પ્રથમ જરૂરી છે એ સત્યને ધ્યાનમાં રાખી મોદી સરકારે ગરીબ કલ્યાણ યોજના હેઠળ અનાજની કેટલીક આઇટમ્સ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મુકત રીતે વહેંચવાનો નિર્ણય લીધો છે, જેની હેઠળ આશરે 80 કરોડ લોકો આવરી લેવાશે. ગરીબોનાં બેંક ખાતાંમાં સીધાં નાણાં પહોંચે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભોજન માટે માત્ર અનાજ નહિ, બલકે ગેસનું કનેકશન પણ આવશ્યક હોવાનું નોંધીને સરકારે ત્રણ મહિના ત્રણ ગેસના બાટલા પૂરા પાડવાની જાહેરાત કરી છે.
ખેડૂત અને મહિલા વર્ગ
ખેડૂતોનાં બેંક ખાતાંમાં 2000 રૂપિયાની રકમ જમા કરવી, મનરેગા હેઠળ કામ કરતા કામદારોના વેતન વધારવા, વિધવા, દિવ્યાંગ વર્ગને રાહત આપવી, વગેરે મારફત પણ કરોડોની સંખ્યામાં લોકોને આવરી લેવાયા છે. આ ઉપરાંત દીનદયાળ યોજના હેઠળ કોલેટરલ વિના અપાતી લોનની રકમ મર્યાદા દસ લાખ રૂપિયાથી વધારી 20 લાખ રૂપિયા કરવામાં આવી છે, જેનો લાભ પણ આશરે 8 કરોડ મહિલાઓને મળશે.
સંગઠિત ક્ષેત્ર માટે બે જાહેરાત
સંગઠિત ક્ષેત્રમાં સરકારે હાલ એક જ જાહેરાત કરી છે, જે એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ) માટેની છે. જેમાં 100 સુધીના કર્મચારી- કર્મચારીઓ કામ કરતા હોય એવા એકમોને આવરી લેવાશે. આ કેસમાં પ્રોવિડન્ટ ફંડની 12 ટકા રકમ કર્મચારીના અને 12 ટકા રકમ માલિકના ભાગે કપાતી હોય છે. સરકાર આ 24 ટકા રકમ ત્રણ મહિના સુધી પોતે ભરશે. નાના એકમો માટે આ હાલ બહુ મોટી રાહત ગણાય. આમાં 90 ટકા લોકો 15,000 રૂપિયા સુધીની માસિક આવક ધરાવે છે. આ સાથે ઈપીએફઓમાંથી કર્મચારીઓને તેમના આ એકાઉન્ટમાંથી 75 ટકા સુધીની રકમ ચોકકસ ખર્ચ –જવાબદારી માટે ઉપાડવાની સવલત અપાઈ છે, જે તેમની માટે રાહતદાયી પુરવાર થશે.
બાંધકામ ક્ષેત્રના કામદારો
બાંધકામ પ્રવૃતિ સાથે સંકળાયેલા કામદારો માટે તેમ જ માઈનિંગ વર્કર માટે પણ સરકારે રાજય સરકારોને આ સેકટર માટેનું કલ્યાણ ભંડોળ વાપરવાની સૂચના આપી છે. જેથી કોઈ પણ વર્કર કોરોનાને કારણે અસરગ્રસ્ત હોય તો તેને નાણાં સહાય મળી રહે અથવા મેડિકલ સહાય ઉપલબ્ધ બને. મેડિકલ વર્કર તરીકે કામ કરતા ડોકટર, નર્સિસ તેમ જ સેનિટેશન વર્કર, વગેરેને 50 લાખ રૂપિયા સુધીનો વીમો ઓફર કરાયો છે, કારણ કે હાલ તેઓ કોરોના સામેની લડતના મોરચે કામ કરી રહ્યા છે.
ટૂંકમાં નવી–વધુ રાહત પાક્કી
તાજેતરમાં યુએસ સરકારે તેના અર્થતંત્રને સપોર્ટ કરવા 2 લાખ કરોડ ડોલરનું પેકેજ જાહેર કર્યુ છે, જેની સામે ભારત સરકારે આ એક શરૂઆત કરી છે. જોકે હજી મોદી સરકાર એક પછી એક પગલાં લાવશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. મોદી સરકારની પ્રાધાન્યતા ગરીબ-વંચિત વર્ગ છે, એ પછી નિમ્ન વર્ગ, મધ્યમ વર્ગ અને આખરે સમૃદ્ધ વર્ગ પણ આવશે, જેમને સરકાર એવી રીતે રાહત આપશે, જેનો અંતિમ લાભ પ્રજાને અને અર્થતંત્રને પણ પહોંચે. મોદી સરકાર વતી હાલ નાણાપ્રધાને કેટલાંક મુદ્દા બાબતે મગનું નામ મરી પાડયું નથી. જેમ કે લોકોના હોમ લોનના હપ્તા, વેપારી વર્ગ કે કંપનીઓનાં બેંક લોનના હપ્તા, તેમની માટે મર્યાદિત સમય માટે કરવેરાની રાહત, વગેરે. માર્ચ અંત સુધીમાં આ નવી જાહેરાત પણ આવવાની આશા પાકકી છે. સંભવત એપ્રિલમાં રિઝર્વ બેંકની નાણાં નીતિમાં આવી જાહેરાત આવી શકે છે.
વેપાર–ઉદ્યોગને કઈ રાહતની અપેક્ષા
વર્તમાન દેશવ્યાપી લોક ડાઉનના કપરા સંજોગોમાં સરકારને સહકાર આપનાર નાના-મોટા વેપાર-ઉદ્યોગને ઇન્કમ ટેકસ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)માં ચોક્કસ સમયગાળા માટે રાહતની અપેક્ષા છે. જો મોદીજી એમ કહેતા હોય કે આ વર્ગ તેમના કર્મચારીઓનો પગાર ન કાપે, તેમને સહાય કરે, તેમની નોકરી સાચવે, જેવી જવાબદારી તેમનાં પર નાખતા હોય તો આ વર્ગને એ મુજબ રાહત પણ આપવી જોઈએ. કારણ કે આ વર્ગ પણ ધંધાની મંદીથી ગ્રસ્ત અને ત્રસ્ત છે. સરકારે વર્તમાન સમયમાં જે સેકટર કોરોનાથી વધુ પ્રમાણમાં અસરગ્રસ્ત છે તેને કર રાહત આપવી જોઈએ. વ્યાજના દર ઘટાડી ધિરાણ માગ વધે અને તેને પગલે વપરાશ વધે એવું કરવું જોઈએ. નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઝ માટે પ્રવાહિતાની સ્થિતિ સુધારવી જોઈએ, જેથી તે વધુ ધિરાણ કરવા સક્ષમ બને. જેમના લોનના હપ્તા ચાલુ છે એવા વર્ગ માટે ચોકકસ સમયગાળાની રાહત મળવાની આશા રખાઇ છે. બેંકોની એનપીએ (નોન-પફોર્મિંગ એસેટસ) વધવાની શક્યતા ને ધ્યાનમાં રાખી તેમાં રાહત મળવાની આશા રિઝર્વ બેંક પાસે છે. જે વેપાર-ઉદ્યોગની લોનની સમસ્યા છે તેમને તેમની પાત્રતા આધારે ધિરાણની પુનઃચુકવણીના સમયપત્રકને બદલી આપવું જોઈએ. અમુક સમય માટે વ્યાજમાફી પણ આપી શકાય. બેંકોને આ માટે જનારી ખોટને સરકારે બીજી રીતે સરભર કરી આપવી જોઈએ. આ ઉપરાંત સ્વાસ્થ્ય સેકટર માટે વધુ ભંડોળ ફાળવણી કરવી જોઈએ. અલબત્ત, મોદી સરકારની યાદીમાં આ બાબતો હશે, તેથી આશા રાખીએ કે આ રાહત પણ નજીકના ભવિષ્યમાં આવે.
(જયેશ ચિતલિયા)