નવી દિલ્હી: શું ચૂંટણી પછી ઘરેલુ બજારમાં પેટ્રોલની છૂટક કીમતોમાં ઉછાળો આવશે? અને ઉછાળો આવશે તો કેટલો આવશે? જો વૃદ્ધિ થશે તો તેનું કારણ શું હશે? આ તમામ સવાલો અત્યારે ચર્ચામાં છે. હકીકતમાં કેટલાક અહેવાલ અનુસાર ચૂંટણી પછી પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 3-4 રુપિયાનો ઉછાળો આવશે. આ રિપોર્ટ બાદ લોકોને ડર સતાવી રહ્યો છે કે, ચૂંટણી પછી ઓફિસ આવવાજવાનો ખર્ચ વધી જશે. જાણકારોનું કહેવું છે કે, ચૂંટણી પછી પેટ્રોલની કીમતો વધવા પાછળ કોઈ ચોક્કસ કારણ નથી જોવા મળી રહ્યું.
ત્યારે દેશવિદેશના જાણીતા નિષ્ણાતોનું માનીએ તો, પેટ્રોલની કીમતોમાં કોઈ મોટા ઉછાળાનું અનુમાન નથી. ઓઈલના બજારના જાણકારનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલની કીમતોમાં તેજીનો હંમેશા એવો મતલબ નથી થતો કે, ઘરેલુ બજારમાં પેટ્રોલની કીંમતો વધી જશે. ચૂંટણી પછી પેટ્રોલની કીમતોમાં વધુ ઉછાળાની સંભાવના એટલા માટે પણ નથી જોવા મળી રહી કારણ કે, આ વર્ષે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં ઓઈલ કંપનીઓ પહેલા જ પ્રતિ લિટર 4 રુપિયાનો વધારો કરી ચૂકી છે. આ દરમિયાન ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ ડીઝલની કીમતોમાં પણ પ્રતિ લિટર 5 રુપિયાનો વધારો કર્યો છે.
હાલ બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ દીઠ 70 ડોલરની આસપાસ ચાલી રહ્યો છે. આ સ્થિતિમાં લોકસભા ચૂંટણી પછી ઓઈલ કંપનીઓ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર એકથી સવા લિટર સુધીનો વધારો કરી શકે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, એવું નથી હોતું કે, આંતરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલના ભાવ વધે તો તરત જ દેશમાં પણ વધી જાય. ઓઈલની ખરીદી અને આયાત કરવાની એક આખી લાંબી પ્રક્રિયા હોય છે. આ પ્રક્રિયમાં ઓછામાં ઓછો 3થી4 સપ્તાહનો સમય લાગે છે.
કેડિયા કોમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયાના જણાવ્યા અનુસાર ઓઈલની કીમતોમાં આગામી દિવસોમાં ઘટાડો જોવા મળી શકે છે. અમેરિકાને હરાવવા માટે રશિયા અને સાઉદી અરબ સહિત ઓપેકના સભ્ય દેશો ઉત્યાદન વધારવાની યોજના બનાવી રહ્યાં છે. જૂન મહિનામાં ઉત્પાદન વધારવાને લઈને ઓપેકની બેઠક મળશે. આ સ્થિતિમાં ક્રૂડ હાલની કિંમતોમાં પ્રતિ બેરલ 4થી5 ડોલરનો ઘટાડો આવી શકે છે. આગામી એકથી દોઢ મહિનામાં ક્રૂડની કિંમત ઘટીને 65-68 ડોલર પર પહોંચે તેવી શકયતા છે.
મહત્વનું છે કે, વર્તમાનમાં ઓપેકના સભ્ય દેશો રોજનું 12 લાખ બેરલના ઘટાડાના નિર્ણયનો અમલ કરી રહ્યાં છે. ક્રૂડ ઓઈલની લડાઈ હવે રશિયા અને અમેરિકા વચ્ચે નવો મોડ લઈ રહી છે. રશિયાને ઓપેકનો સાથે મળી રહ્યો છે. આ સ્થિતિમાં ઓપેક દેશો અને રશિયા ઉત્પાદન વધારી શકે છે.
મહત્વનું છે કે, સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દૂસ્તાન પેટ્રોલિયમે જૂન 2017થી દર પખવાડીયાને બદલે દરોજ પેટ્રોલ ડીઝલની કીમતોના વધારા ઘટાડાના ફોર્મ્યુલાનું પાલન કરી રહી છે. ત્યારથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોને આધારે ઘરેલુ બજારમાં ઈંધણની કીમતો નક્કી થાય છે.