શું FII ચોખ્ખા વેચવાલ રહેશે?: જાણો શું કહે છે ડેટા…

અમદાવાદઃ ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)નું વલણ મહત્ત્વનું માનવામાં આવે છે. FIIની ખરીદી ભારતીય બજારોમાં તેજી માટે મોટી ભૂમિકા ભજવે છે. જોકે FII જ્યારે વેચવાલીના મૂડમાં આવે છે, તો બજારમાં પણ નોંધપાત્ર કરેક્શન જોવા મળે છે. જોકે છેલ્લા ત્રણ મહિનાથી FII કેશ માર્કેટમાં નેટ સેલર્સ છે. જેની અસરે નિફ્ટી 50, સેન્સેક્સ એક રેન્જમાં ટ્રેડ કરતા રહ્યા હતા.

છેલ્લા ત્રણ મહિનામાં કેશ માર્કેટમાં FIIનાં કામકાજ પર નાખીએ તો તેમણે ઓક્ટોબરમાં રૂ. 29,000 કરોડથી વધુ ચોખ્ખી વેચવાલી કરી હતી. સપ્ટેમ્બરમાં તેમણે રૂ. 27,000 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. ઓગસ્ટમાં પણ તેમણે રૂ. 20,000 કરોડની વેવાલી કરી હતી. આમ તેમણે છેલ્લા ત્રણ મહિનામાં સરેરાશ રૂ. 25,000 કરોડની નેટ વેચવાલી કરી હતી.

આ જ પ્રકારે F&Oમાં FIIએ છેલ્લા  ત્રણ મહિનામાં સરેરાશ પ્રતિ મહિને રૂ. 6,000 કરોડની ચોખ્ખી વેવાલી કરી હતી. આ પહેલાં તેમણે ઓગસ્ટમાં પણ રૂ. 5400 કરોડથી વધુની ચોખ્ખી વેચવાલી કરી હતી. આ દરમ્યાન નિફ્ટીએ 19,000થી 20,000ની રેન્જમાં કામ કર્યું હતું. જ્યારે સેન્સેક્સ આ સમયગાળામાં 65,000થી 66,000ની રેન્જમાં રહ્યો હતો.

બીજી બાજુ DIIની એક પેટર્ન જોવા મળી છે, જો તેઓ ખરીદી કરે છે તો એકધારી ખરીદી કરે છે અને જો વેચવાલી કરે છે તો એકધારી વેચવાલી કરે છે.

એપ્રિલ, 2023થી જુલાઈ, 2023 સુધી સતત ચાર મહિના FII કેશ માર્કેટમાં નેટ બાયર્સ હતા અને તેમણે રૂ. 70,000 કરોડથી વધુની ખરીદી કરી હતી. ત્યાર બાદ તેમણે વલણ બદલીને ચોખ્ખા વેચવાલ રહ્યા છે. આ મહિનામાં FIIએ કેશ માર્કેટમાં અત્યાર સુધી રૂ. 7700 કરોડથી વધુ ચોખ્ખી વેચવાલી કરી છે. જોકે F&Oમાં તેમણે મામૂલી ખરીદી કરી છે.

એક્સિસ સિક્યોરિટીઝના રિસર્ચ હે રાજેશ પાલવિયા કહે છે કે આવનારા એક મહિનામાં FIIનું વલણ ચોખ્ખી વેચવાલી રહે એવી શક્યતા છે.