નવી દિલ્હીઃ બીએસએનએલ અને એમટીએનએલ ખૂબ ખોટમાં ચાલી રહી છે. સાંસદોને આપવામાં આવેલા હાઈ-સ્પીડ વાઈ-ફાઈ કનેક્શનની તેમની ખોટ વધારે વધી રહી છે. કેન્દ્રીય સંચાર અને આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું છે કે સાંસદોને આપવામાં આવેલા હાઈ-સ્પીડ વાઈ-ફાઈ કનેક્શનથી બંન્ને સરકારી દૂરસંચાર કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે.
દૂર સંચાર મંત્રાલય પાસે મે 2019 સુધી ઉપ્લબ્ધ આંકડાઓ અનુસાર, એમટીએનએલ અને બીએસએનએલે સંસદના સભ્યોને કુલ 757 ઈન્ટરનેટ કનેક્શન આપ્યા છે, આ તમામ હાઈ-સ્પીડ વાઈ-ફાઈ ફાઈબર ટૂ ધ હોમ કનેક્શન છે. આમાંથી 728 કનેક્શન એમટીએનએલે આપ્યા છે. એમટીએનએલ અનુસાર 2015-16 દરમિયાન સાંસદોને આપવામાં આવેલા દરેક વાઈ-ફાઈ કનેક્શન પર સરેરાશ 1.7 લાખ રુપિયા જેટલો ખર્ચ થયો હતો. આમાં ત્રણ વર્ષની વોરન્ટી બાદ ચાર વર્ષનું મેન્ટેનન્સ શામિલ છે. પરંતુ દરેક વાઈ-ફાઈ કનેક્શન માટે સાંસદ પાસેથી લેવામાં આવતો ચાર્જ 1500 રુપિયા પ્રતિમાસ છે. આમાં જીએસટીનો સમાવેશ થતો નથી.
બીએસએનએલે કહ્યું કે સાંસદોને આપવામાં આવેલા દરેક એફટીટીએચ કનેક્શન પર કંપની પર 25,000 રુપિયાનો ખર્ચ આવે છે. પરંતુ તે માત્ર 2200 રુપિયા પ્રતિમાસ વસૂલી શકે છે, આમાં જીએસટી શામિલ નથી. એમટીએનએલ 500 જીબી સુધી 100 એમબીપીએસની સ્પીડ આપે છે. ત્યારબાદ સ્પીડ ઘટીને 10 એમબીપીએસ રહી જાય છે. બંન્ને કંપનીઓને છેલ્લા બે વર્ષમાં કુલ 1,054 ફરિયાદો મળી છે. એમટીએનએલ અને બીએસએનએલ બંન્ને સરકારી કંપનીઓ છે. એમટીએનએલ દેશના બે મેટ્રો શહેર દિલ્હી અને મુંબઈમાં દૂર સંચાર સેવાઓ આપે છે. બીએસએનએલ દેશભરમાં દૂરસંચાર સેવાઓ આપે છે.
બંન્ને જ કંપનીઓ છેલ્લા ઘણા વર્ષથી નુકસાનમાં ચાલી રહી છે. દેશમાં મોબાઈલ ફોન ક્રાંતિ બાદ આ કંપનીઓ પ્રતિસ્પર્ધી કંપનીઓનો મુકાબલો ન કરી શકી.