એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર 13 મહિનાની ઊંચાઈએ

નવી દિલ્હીઃ એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર (WPI) 13 મહિનાની ઊંચાઈએ પહોંચ્યો છે. એપ્રિલમાં સતત બીજા મહિને વધીને WPI 1.26 ટકા થયો છે. WPI આધારિત મોંઘવારી એપ્રિલ, 2023માં 0.79 ટકા અને માર્ચ, 2024માં 0.53 ટકા થયો હતો. જોકે એપ્રિલમાં WPI મોંઘવારી દર એક ટકા અંદાજવામાં આવ્યો હતો.

જથ્થાબંધ મોંધવારી દરમાં વધારો ખાદ્ય વસ્તુઓ, વીજળી, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, ફૂડ પ્રોડક્ટ અને અન્ય ઉત્પાદિત ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થયો છે. એપ્રિલમાં ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર 7.74 ટકા થયો છે, જે માર્ચમાં 6.88 ટકા હતો. શાકભાજીનો ફુગાવાનો દર 23.60 ટકા રહ્યો હતો, જે માર્ચમાં 19.52 ટકા હતો. ફ્યુઅલ અને વીજના ફુગાવો એપ્રિલમાં 1.38 ટકા રહ્યો હતો, જે માર્ચમાં (-) 0.77 ટકા હતો.

જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં 71.97 ટકાનો વધારો: આ સિવાય માર્ચમાં 52.96 ટકા વધ્યા બાદ એપ્રિલમાં બટાકાના જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં 71.97 ટકાનો વધારો થયો છે. ડેટા દર્શાવે છે કે એક વર્ષ પહેલાંના સમાન મહિનામાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં 5.54 ટકા અને બટાકાના જથ્થાબંધ ભાવમાં 30.56 ટકાનો વધારો થયો હતો. એપ્રિલ, 2024માં WPI ઇન્ડેક્સમાં મહિના દર મહિને ફેરફાર 1.26 ટકા હતો, જ્યારે માર્ચ, 2024માં તે 0.53 ટકા હતો.

માર્ચમાં 4.7 ટકા વધ્યા બાદ, જથ્થાબંધ ખાદ્ય પદાર્થોનો ફુગાવો વાર્ષિક ધોરણે વધીને 5.52 ટકા થયો છે. MoM આધાર પર, ખાદ્ય ફુગાવો માર્ચમાં 0.95 ટકા વધ્યા બાદ એપ્રિલમાં 1.94 ટકા વધ્યો હતો.

એપ્રિલ, 2024માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ, વીજળી, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન, અન્ય ઉત્પાદન વગેરેના ભાવમાં વધારો થવાને કારણે છે. ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસનો જથ્થાબંધ ફુગાવો એપ્રિલમાં 4.97 ટકા વધ્યો હતો, જ્યારે ગયા વર્ષના સમાન મહિનામાં તે 1.64 ટકા હતો.

સરકારે ભારતના છૂટક ફુગાવાના ડેટા પણ બહાર પાડ્યા છે, જે દર્શાવે છે કે તે એપ્રિલમાં વાર્ષિક ધોરણે 4.83 ટકાના 11 મહિનાના નીચા સ્તરે આવી ગયો છે, જે અગાઉના મહિનામાં 4.85 ટકા હતો.