બેંગલુરુ – અમેરિકન રીટેલ જાયન્ટ વોલમાર્ટે ભારતની સૌથી મોટી ઈ-કોમર્સ સ્ટાર્ટઅપ ફ્લિપકાર્ટમાં 16 અબજ ડોલર (આશરે 1 લાખ કરોડ રૂપિયા)માં 77 ટકા હિસ્સો ખરીદ્યો છે.
આ સાથે વોલમાર્ટે ભારતની ઝડપથી વૃદ્ધિ પામી રહેલી ઈ-કોમર્સ માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.
ફ્લિપકાર્ટમાં બાકીનો હિસ્સો કંપનીના વર્તમાન શેરહોલ્ડરોનો રહેશે, જેમાં ફ્લિપકાર્ટના સહ-સ્થાપક બિન્ની બંસલ, ટેન્સેન્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ, ટાઈગર ગ્લોબલ મેનેજમેન્ટ એએલસી અને માઈક્રોસોફ્ટ કોર્પનો સમાવેશ થાય છે.
ભારતની ઓનલાઈન રીટેલ સ્પેસમાં વોલમાર્ટના પ્રવેશ સાથે તેની અને એમેઝોન ડોટ કોમ ઈન્ક વચ્ચે જોરદાર બિઝનેસ રસાકસી જામશે. એમેઝોન વિશ્વની પાંચમા નંબરની સૌથી મોટી કંપની છે.
આ સોદા દ્વારા વોલમાર્ટને મોટો ફાયદો એ થયો છે કે એને ભારતમાં ઓનલાઈન પ્લેટફોર્મ મળી ગયું છે. ભારતની ઈ-કોમર્સ માર્કેટમાં ફ્લિપકાર્ટનો હિસ્સો 43 ટકા જેટલો છે. એમેઝોનનો હિસ્સો 38 ટકા છે.
વોલમાર્ટના પ્રેસિડન્ટ અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર ડગ મેકમિલોને જણાવ્યું છે કે કદ અને વૃદ્ધિદરની દ્રષ્ટિએ દુનિયામાં સૌથી આકર્ષક રીટેલ માર્કેટ્સ તરીકે ભારતની પણ ગણના કરાય છે. ફ્લિપકાર્ટ ઈ-કોમર્સમાં અગ્રગણ્ય કંપની બની શકી છે અને એમાં અમારું ઈન્વેસ્ટમેન્ટ એ કંપનીમાં ભાગીદાર બનવાની મહત્વની તક સમાન છે.
વીતેલા વર્ષમાં ભારતમાં ઈ-કોમર્સનું વેચાણ આશરે 21 અબજ ડોલરનું રહ્યું હતું. વોલમાર્ટ હવે ભારતના એક અબજથી વધારે લોકો અને ઈન્ટરનેટ એક્સેસનો ઉપયોગ કરશે.
ગયા વર્ષે ફ્લિપકાર્ટની વેલ્યૂ 12 અબજ ડોલર હતી, જે આ વર્ષે વધીને 20 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે.
ફ્લિપકાર્ટના સહ-સંસ્થાપક સચીન બંસલ હવે આ કંપની છોડી દેશે. એમણે અને બિન્ની બંસલે મળીને 2007માં ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી. સચીન અને બિન્ની એ પહેલાં એમેઝોન ડોટ કોમ ઈન્કમાં કામ કરતા હતા.
દુનિયામાં આ સૌથી મોટો ઈ-કોમર્સ ક્ષેત્રનો બિધનેસ સોદો થયો છે. આ સોદા પહેલાં, વિશ્વમાં આ પ્રકારનો સૌથી મોટો સોદો અમેરિકાની રીટેલ જાયન્ટ પેટસ્માર્ટ અને ઓનલાઈન પેટ સ્ટોર ચ્યૂઈ વચ્ચે થયો હતો જેમાં 2017માં પેટસ્માર્ટે 3.35 અબજ ડોલરમાં ચ્યૂઈને ખરીદી હતી. એ પહેલાં, 2016માં વોલમાર્ટે અમેરિકાની ઈ-કોમર્સ કંપની જેટ ડોટ કોમને 3.30 અબજ ડોલરમાં ખરીદી હતી.