નવી દિલ્હી- અમેરિકા સાથેનું ટ્રેડ વૉર ચીનને હવે વધારે મોંઘુ પડી રહ્યું છે. કંપનીઓ ચીનમાંથી પોતાની ફેકટરીઓ શિફ્ટ કરી રહી છે. બ્લૂમબર્ગના એક રીપોર્ટ અનુસાર દુનિયાની સૌથી મોટી રમકડાની કંપનીઓમાંની એક હૈસબ્રો ઈન્ક ચીનમાંથી પોતાનો નવો પ્લાન્ટ વિયતનામ અને ભારતમાં નાંખવા માટે વિચાર કરી રહી છે.
દુનિયાની સૌથી મોટી રમકડાનું ઉત્પાદન કરતી કંપનીની પાસે ફ્રોઝન અને અવેન્જર્સ જેવા ફ્રેન્ચાઈઝ છે. કંપનીએ કહ્યું છે કે ચીનમાં અમેરિકી વસ્તુઓના ઉત્પાદનમાં 2020ના અંત સુધીમાં 50 ટકાનો ઘટાડો નોંધાશે.
અત્રે નોંધનીય છે કે અમેરિકા અને ચીનની વચ્ચે ટ્રેડવૉર સતત વધતું જઈ રહ્યું છે. ચીનની સુસ્ત અર્થવ્યવસ્થા પર તેની વિપરીત અસર પડી રહી છે. ચીનમાં મેન્યુફેકચરિંગમાં જોડાયેલી કંપનીઓ હવે બીજા વિકલ્પો શોધી રહી છે. હૈસબ્રો આ કંપનીઓમાં સૌથી મોટું નામ છે. ઈન્ટેલ કોર્પ પણ તેમાં સામેલ છે.
અમેરિકા અને ભારતના મજબૂત સંબધોની પેરવી કરનારા યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમે આ વર્ષે એપ્રિલમાં કહ્યું હતું કે અમેરિકાની 200થી વધુ કંપનીઓ પોતાનું મેન્યુફેકચરિંગ સેન્ટર ચૂંટણી પછી ચીનમાંથી ભારતમાં લાવવા માગે છે. ફોરમે એમ પણ કહ્યું હતું કે ચીનની જગ્યાએ અન્ય કોઈ વિકલ્પ શોધાઈ રહ્યો છે. જો કે મોટાભાગની કંપનીઓનું માનવું છે કે ભારતમાં વધુ સારી તક રહેલી છે.