UPI ટ્રાન્જેક્શને સર્જ્યો નવો રેકોર્ડ, નાણા મંત્રાલયે આંકડા જાહેર કર્યા

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPIએ બીજી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નાણા મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં 223 લાખ કરોડ રૂપિયાના 15,547 કરોડથી વધુ ટ્રાન્જેક્શન્સ યુપીઆઈ મારફત થયા છે. નાણા મંત્રાલયે તેના સત્તાવાર X હેન્ડલ પરથી એક પોસ્ટ દ્વારા ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ અંગે UPI સંબંધિત ડેટા શેર કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2016માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા યુપીઆઈ લોન્ચ કરવામાં આવ્યું હતું. એક જ મોબાઈલ એપ્લિકેશનમાં મલ્ટીપલ બેન્ક ખાતાઓને એકીકૃત કરીને ઓનલાઈન ચુકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવતી સિસ્ટમ યુપીઆઈએ નાણાકીય વર્ષ 2025ના પ્રથમ સાત મહિનામાં ગતવર્ષની તુલનાએ બમણા ટ્રાન્જેક્શન નોંધાયા છે. સરકારી આંકડા પ્રમાણે આ વર્ષે એપ્રિલથી ઑક્ટોબર સુધીમાં, 750 મિલિયનથી વધુ લોકોએ રૂ. 63,825.8 કરોડના ટ્રાન્જેક્શન યુપીઆઈ રૂપે ક્રેડિટ કાર્ડ મારફત કર્યા છે. નાણાકીય વર્ષ 2024માં, UPI રૂપે ક્રેડિટ કાર્ડ દ્વારા ટ્રાન્જેક્શનની સંખ્યા 362.8 મિલિયન હતી, જેનું કુલ મૂલ્ય રૂ. 33,439.24 કરોડ હતું. સરકારે સપ્ટેમ્બર 2022માં રૂપે ક્રેડિટ કાર્ડ પર UPI વ્યવહારોની સુવિધા શરૂ કરી હતી. જેમાં યુઝર્સ યુપીઆઈ એપ્લિકેશનની મદદથી સરળતાથી ટ્રાન્જેક્શન કરી શકે છે. ઑક્ટોબર 2024માં યુપીઆઈ દ્વારા 16.58 અબજનું ટ્રાન્જેક્શન નોંધાયું છે. નવેમ્બરમાં યુપીઆઈ ટ્રાન્જેક્શન્સની સંખ્યા 38 ટકા વધીને 24 ટકા વધી રૂ. 21.55 લાખ કરોડ થયું છે.