નવી દિલ્હીઃ દુનિયાની સૌથી જૂની બ્રિટિશ ટૂર એન્ડ ટ્રાવેલ કંપની થોમસ કુકે પોતાનો વ્યાપાર બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. 178 વર્ષ જૂની આ કંપનીનું શટર રાતોરાત પડી જતા દુનિયાભરની હોટલોમાં બુકિંગ કરાવનારા છ લાખ જેટલા પર્યટકો ફસાઈ ગયા છે. આ સાથે જ 16 દેશોમાં ફેલાયેલી આ કંપનીના આશરે 22,000 જેટલા કર્મચારીઓ પણ બેરોજગાર થઈ જશે. થોમસ કુક દુનિયાની પહેલી કંપની હતી કે જેણે પરિવાર સાથે ફરવા માટે એક પેકેજ કોન્સેપ્ટની શરુઆત કરી હતી. આખરે બ્રિટનની આ જાણીતી કંપની અચાનક બંધ શા માટે કરી દેવામાં આવશે, આવો જાણીએ વિગત. હકીકતમાં આ કંપની અત્યારે આર્થિક સંકટમાં આવી ગઈ છે. કંપનીએ સરકાર પાસેથી બેલઆઉટ પેકેજની માગણી કરી હતી. જોકે પેકેજ મેળવવામાં અસફળ રહેતા તાત્કાલિક પ્રભાવથી કંપનીએ બિઝનેસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ દરેક હોલિડે અને ફ્લાઇટ બુકિંગ રદ્દ કરી હોવાની જાહેરાત કરી હતી. તેના માટે સમગ્ર વિશ્વના ગ્રાહકો માટે હેલ્પલાઇન નંબર +441753330330 જાહેર કર્યો છે.
અચાનક કંપનીના બંધ થવાથી પ્રવાસમાં નિકળેલા લગભગ લોકો અલગ અલગ જગ્યાએ ફસાઇ ગયાં છે. દુનિયાભારમાં આ કંપનીના 22 હજાર કર્મચારીઓની નોકરી પણ સંકટમાં આવી ગઇ છે. તેમાંથી 9 હજાર કર્મચારી બ્રિટનમાં છે. કંપનીએ શુક્રવારે કહ્યું હતું કે વેપારને ચાલુ રાખવા માટે તેમને 25 કરોડ અમેરિકન ડોલરની જરૂરિયાત છે. ગત મહિને 90 કરોડ પાઉન્ડ મેળવવામાં કંપની સફળ રહી હતી. પ્રાઇવેટ રોકાણ મેળવવામાં અસફળ રહેતા સરકારની દરમિયાનગીરીથી જ તેનો વેપાર ચાલુ રહી શકે તેમ હતો.
થોમસ કુકે 1841માં ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું હતું. તે બ્રિટનના શહેરો વચ્ચે ટ્રેનમાં લોકોને સફર કરાવતા હતા. ત્યારબાદ આ કંપની વિદેશી ટ્રિપ્સ પણ આયોજિત કરવા લાગી હતી. 1855માં કંપની પહેલી એવી ઓપરેટર બની જે બ્રિટિશ પ્રવાસીઓને એસ્કોર્ટ ટ્રીપ પર યૂરોપના દેશોમાં લઇ જતી હતી. ત્યારબાદ 1866માં કંપનીએ અમેરિકા ટ્રીપની સર્વિસ ચાલુ કરી અને 1872માં સમગ્ર દુનિયાની ટૂર સર્વિસ શરુ કરી દીધી હતી.