નવી દિલ્હી- નોટબંધી દરમિયાન મોટા પાયે બેંક ખાતાઓમાં નાણાં જમા કરાવનારી ગેરકાયદેસર કંપનીઓને નવા કંપની લો અંતર્ગત ક્રિમિનલ કેસનો પણ સામનો કરવો પડી શકે છે. નોટબંધી વખતે પૈસાની હેરાફેરી કરનાર કંપનીઓ વિરૂદ્ધ સરકારના એક્શનની આ શરૂઆત હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીએ રિટર્ન ફાઈલ ન કરાવનારી 2 લાખ કંપનીઓની નોંધણી રદ્દ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. મંત્રાલય આના પર નવા કંપની એક્ટ સેક્શન 447 અંતર્ગત કાર્યવાહી કરવા પર વિચાર કરી રહ્યું છે. ફ્રોડ કરવાના મામલાઓમાં આ સેક્શન અંતર્ગત કાર્યવાહી કરવાની કાયદામાં જોગવાઈ છે.
આ કાયદા અનુસાર ફ્રોડના કેસમાં દોષિતોને 3 થી 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે તો આ સિવાય જેટલા રૂપિયાનું ફ્રોડ કર્યાનો આરોપ લાગશે તેટલા જ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારની જાણકારીને છુપાવશે તે ફ્રોડ ગણાશે. પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીઓને રજિસ્ટર કરનારા રજિસ્ટ્રાર ઓફ કંપની તરફથી આના પર વિચાર કરવામાં આવશે. આ સિવાય તપાસ દ્વારા કંપનીઓને મળનારા ફંડના સ્ત્રોતની પણ તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ ડાયરેક્ટર્સ પણ બેન લગાવવામાં આવી શકે છે. આમાં કેટલાક ટોપ લિસ્ટેડ કંપનીઓના બોર્ડનો પણ સમાવેશ થાય છે. આ સિવાય આવી કંપનીઓના બેંક અકાઉન્ટ્સને પણ ફ્રીઝ કરવામાં આવી શકે છે.