કોમોડિટીની કિંમતોમાં 50-વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો

નવી દિલ્હીઃ રશિયા-યુક્રેનની લડાઈએ કોમોડિટી ઉત્પાદનોની કિંમતોમાં આગ લગાડી દીધી છે. કોમોડિટી ઉત્પાદનોની કિંમતોમાં 50 વર્ષનો સૌથી મોટી સાપ્તાહિક ઉછાળો નોંધાયો છે. રશિયા દ્વારા યુક્રેન પર હુમલાથી વૈશ્વિક બજાર પર અસર પડી શકે છે. વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાવાનો ડર વધતો રહ્યો છે. જેથી ક્રૂડ ઓઇલથી માંડીને નિકલ, એલ્યુમિનિયમ અને ઘઉંની કિંમતોમાં ભારે તેજી આવી છે. આ ઉત્પાદનોમાં વર્ષ 1974 પછી સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો નોંધાવામાં આવ્યો છે.

શુક્રવારના પ્રારંભના આંકડા અનુસાર વૈશ્વિક સ્તરે ઘઉંમાં 41 ટકા, પેલેડિયમમાં 18 ટકા, મકાઈમાં 17 ટકા, બ્રેન્ટ ક્રૂડમાં 15 ટકા, એલ્યુમિનિયમમાં 13 ટકા અને સોનામાં ત્રણ ટકાનો સાપ્તાહિક ઉછાળો નોંધાયો છે.

અમેરિકા સહિત કેટલાક પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લગાવવામાં આવેલા ભારે પ્રતિબંધોને પગલે કેટલીય ચીજવસ્તુઓના સપ્લાયમાં સંકટ પેદા થવાની આશંકા છે. આ પ્રતિબંધોને પગલે એનર્જી, મેટલ અને કેટલાંય કૃષિ ઉત્પાદનોના સપ્લાયમાં અડચણો રહી છે. આ ચીજવસ્તુઓની સપ્લાય ચેઇન ખોરવાવાથી વૈશ્વિક સ્તરે મોંઘવારી વધી રહી છે. વળી, રશિયાની કેટલીય બેન્કોની વૈશ્વિક ચુકવણી સિસ્ટમને સ્વિફ્ટમાંથી બહાર કરવમાં આવતાં અનેક વેપારી, બેન્ક, અને જહાજ માલિકો રશિયાની વેપાર કરવાથી બચી રહ્યા છે.

વૈશ્વિક ઓઇલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ 6.85 ટકા વધીને 118.03 પ્રતિ ડોલરે પહોંચ્યું છે.