અહો આશ્ચર્યમઃ હિમાલયના યોગીના ઇશારે NSEનો (ગેર) વહીવટ!

મુંબઈઃ દેશના સૌથી મોટા નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નાં શક્તિશાળી બોસ (CEO) ચિત્રા રામકૃષ્ણ હિમાલયની ગિરિમાળાના પરમહંસ એક સિદ્ધ પુરુષ યોગીથી ખાસ્સા પ્રભાવિત હતાં અને તેમના કહેવાથી ચિત્રાએ એક નવશીખ્યા આનંદ સુબ્રમણ્યમને એક્સચેન્જના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે રૂ. પાંચ કરોડના પેકેજે નિમણૂક કરી હતી. તેઓ NSE સાથે બે દાયકા સુધી જોડાયેલા હતાં. રામકૃષ્ણના એક્સચેન્જના ગેરવહીવટી સંબંધે બજાર નિયામક સેબી દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ ખુલાસો થયો છે.

આ યોગી રામકૃષ્ણને ‘ચિતસોમ’ કહી બોલાવતા હતા, જ્યારે તેઓ (ચિત્રા) તેમને ‘શિરોમણિ’ કહી સંબોધિત કરતા હતા. આ ઉપરાંત રામકૃષ્ણએ અજ્ઞાત યોગીની સાથે NSEની પાંચ વર્ષની પ્રોજેક્શન શીટ, નાણાકીય અંદાજો, ડિવિડન્ડ રેશિયો વેપારની વ્યૂહરચના, બોર્ડ મિટિંગનો એજન્ડા પણ શેર કર્યો હતો.

રામકૃષ્ણને 2016માં NSEના કૌભાંડ- કો-લોકેશન અને અલ્ગો ટ્રેડિંગ કૌભાંડમાં સત્તાના દુરુપયોગ માટે એક્સચેન્જથી હાંકી કાઢવામાં આવ્યાં હતાં. સેબીએ શુક્રવારે આ મામલે તેમના અને NSEના અન્ય વરિષ્ઠ અધિકારીઓની સામે વચગાળાનો આદેશ જારી કર્યો હતો. રામકૃષ્ણએ મનફાવે એમ NSE પર જોહુકમી ચલાવતાં હતાં. વળી, તેમની જોહુકમી સામે NSEનાં સિનિયર મેનેજમેન્ટ, બોર્ડ કે પ્રમોટર્સે ક્યારેય વાંધો નહોતો ઉઠાવ્યો. વળી, મજાની વાત એ છે કે NSEનું પદ છોડવા પર શિરપાવ રૂપે બાકી રહેતા પગાર અને અન્ય ભથ્થા વગેરે રૂપે રૂ. 44 કરોડની ચુકવણી કરી હતી. સેબીની તપાસથી માલૂમ પડે છે કે રામકૃષ્ણએ  યોગીની સાથે સંવાદ કર્યો હતો એ યોગી સાથે તેમણે ક્યારેય (આશરે 20 વર્ષો સુધી) મુલાકાત નહોતી કરી. યોગીએ સુબ્રમણ્યમને NSEના બીજા શક્તિશાળી પદે નિયુક્ત કરવા માટે નિર્દેશ આપ્યો હતો.