નવી દિલ્હીઃ દેશમાં ખાંડનું ઉત્પાદન ઓક્ટોબર-નવેમ્બરમાં ઘટીને 8.85 લાખ ટન રહ્યું છે. મહારાષ્ટ્રમાં ઉત્પાદનમાં ભારે ઘટાડાના કારણે શેરડી પીસવાનું કામ મોડું શરુ થયું છે. ખાંડની સીઝન ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. આમાં ગત વર્ષના મુકાબલે 54 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
ઈન્ડિયન શુગર મિલ્સ એસોસિએશને પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે વર્તમાન 2019-20 ના સત્રમાં 30 નવેમ્બર 2019 સુધી ખાંડનું ઉત્પાદન 18.85 લાખ ટન છે કે જે ગત વર્ષે 30 નવેમ્બર 2018 ના રોજ 40.69 લાખ ટન હતું. એસોસિએશને કહ્યું કે આ વર્ષ 30 નવેમ્બરના રોજ માત્ર 279 ખાંડની મીલો ચાલી રહી હતી જ્યારે એક વર્ષ પહેલા 418 ફેક્ટરીઓમાં શેરડીને પીસવામાં આવતી હતી.
ગત મહિને ISMA એ કહ્યું કે વર્ષ 2019-20 ના માર્કેટિંગ વર્ષમાં ખાંડનું ઉત્પાદન 21.5 ટકા ઘટીને 26 મિલિયન ટન થવાનું અનુમાન છે. ISMA અનુસાર 1 ઓક્ટોબરના રોજ 14.58 મિલિયન ટન ખાંડના શરુઆતી સ્ટોકની જાણકારી મળી. આજે મળેલા આંકડાઓ અનુસાર વર્ષ 2019-20 ના માર્કેટિંગ યરમાં ઓક્ટોબર-નવેમ્બર સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન વધીને 10.81 લાખ ટન થઈ ગયું જે એક વર્ષ પહેલાના સમયમાં 9.14 લાખ ટન હતું.