નવી દિલ્હી: દેશમાં ઔપચારિક રોજગારના ઘટતા જતા વિકલ્પ અને શ્રમ સુધારામાં અવરોધ વચ્ચે સંગઠિત ક્ષેત્રમાં કેઝ્યુઅલ કર્મચારીઓ એટલે કે રોજમદાર કર્મચારીઓને નોકરીએ રાખવા પર વધારે ભાર મુકવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ તરફથી મેળવેલા આંકડાના આધાર પર કરવામાં આવેલા અભ્યાસ અનુસાર વર્ષ 2012થી 2018 વચ્ચે ભારતીય કંપનીઓએ કોન્ટ્રાક્ટ વગરના કર્મચારીઓને નોકરીએ રાખવાને પ્રાથમિકતા આપી છે. ભાજપની સરકાર 2014માં સત્તા પર આવી એની પહેલાંથી એટલે કે લગભગ 2012થી મોટી મોટી કંપનીઓ કાયમી કર્મચારી રાખવાને બદલે રોજમદાર રાખવા તરફ વળી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
વડા પ્રધાનના કાર્યાલય સાથે જોડાયેલી આર્થિક સલાહકાર સમિતિએ આપેલા રિપોર્ટ મુજબ મનમોહન સિંઘની સરકાર કે 2014થી આવેલી ભાજપની સરકાર યુવાનોને નેાકરી આપવા બાબતમાં નિષ્ફળ નીવડી હતી. 2012થી 2018 વચ્ચે કાયમી નોકરીની સંખ્યામાં નોંધનીય ઘટાડો થયો હતો અને બેરોજગારી વધી હતી.
પંડિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના અમરેશ દૂબે અને ઇંડિક્સ ફાઉન્ડેશનના લવીશ ભંડારીએ તૈયાર કરેલા ‘ઇમર્જિંગ એમ્પલોયમેન્ટ પેટર્ન ઑફ 21st સેંચુરી ઇંડિયા’ મથાળા હેઠળ આ રિપોર્ટ તૈયાર કર્યો હતો. એમાં જણાવાયું હતું કે વસતિ વધારાની તુલનાએ નોકરીઓની સંખ્યા ઘટી ગઇ હતી.
આ રિપોર્ટમાં નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન અને ધી એમ્પલોયમેન્ટ-અનએમ્પલોયમેન્ટ સર્વે ઑફ 2004-05, 2011-12 અને 2017-18ના લેબર ફોર્સની તુલના કરવામાં આવી હતી. રિપોર્ટનો સાર એટલો હતો કે વસતિની તુલનાએ રોજગારની સંખ્યા વધી નહોતી. વર્ષ 2012થી 2018 દરમ્યાન દેશમાં કંપનીઓએ કેઝ્યુઅલ લેબર એટલે કે, કોન્ટ્રાક્ટ વગરના રોજગારે પ્રાધાન્ય આપ્યુ. ઊલટું 2012 અને 2018 વચ્ચે કંપનીઓએ કાયમી કર્મચારી રાખવાને બદલે કોન્ટ્રેક્ટ લેબર રાખવાનું વધુ પસંદ કર્યું હતું.
કોન્ટ્રાક્ટ વગરના રોજગાર એક રીતે ઘરેલુ નોકર સમાન છે. આમા તમારે કામના બદલામાં ઓછા પૈસા આપવા પડે છે. આની સાથે જ કામનો માહોલ અને જોબ સિક્યોરિટી કોન્ટ્રાક્ટની તુલનામાં નહીં બરાબર હોય છે. એકદમ અસંગઠિક ક્ષેત્રની જેમ જ્યાં ન તો કામની જગ્યા રજિસ્ટર્ડ હોય અને ન તો કોઈ પણ પ્રકારના રોજગાર કાયદાનું પાલન કરવુ પડતુ હોય. એટલા માટે જ કંપનીઓ કોન્ટ્રાક્ટ વગરના કર્મચારીઓને વધુ પ્રાધાન્ય આપે છે.
રિપોર્ટ અનુસાર વર્ષ 2012માં કોન્ટ્રાક્ટ વગરના કર્મચારીઓની સંખ્યા 2.44 કરોડ હતી જે 2018માં વધીને 3.61 કરોડ થઈ ગઈ. તો કોન્ટ્રાક્ટ ધરાવતા કર્મચારીઓ વર્ષ 2012માં 2.65 કરોડ હતો જે 6 વર્ષ બાદ વધીને 2.80 કરોડ જ થયાં.