નવી દિલ્હી: ઘરેલુ અર્થવ્યવસ્થામાં મંદીના સંકેત ઔદ્યોગિત ઉત્પાદનના તાજેતરના આંકડા પરથી મળી રહ્યા છે. સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જે છેલ્લા આઠ વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. મેન્યુફેકચરિંગ, માઇનિંગ અને ઇલેક્ટ્રિસિટી સેક્ટરના નબળા દેખાવને પગલે સપ્ટેમ્બરમા ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે.
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (CSO)ના આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન(IIP) 4.3 ટકા ઘટ્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં IIP 4.6 ટકા વધ્યો હતો. અગાઉ ઓક્ટોબર 2011માં આઈઆઈપી 5 ટકા ઘટ્યો હતો. એપ્રિલથી સપ્ટેમ્બરમાં IIP લગભગ ફ્લેટ 1.3 ટકા રહ્યો હતો, જે ગત વર્ષે આ ગાળામાં 5.2 ટકા હતો.
સપ્ટેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઉત્પાદન 3.9 ટકા ઘટ્યું હતું. ગત વર્ષે તેમાં 4.8 ટકા વધારો થયો હતો. પાવર સેક્ટરમાં ઉત્પાદન 2.6 ટકા ઘટ્યું હતું. ગયા વર્ષે તેમાં 8.2 ટકાનો વધારો થયો હતો. માઈનિંગ સેક્ટરમાં ઉત્પાદન 8.5 ટકા ઘટી ગયું હતું. ગયા વર્ષે તેમાં 0.1 ટકાનો વધારો થયો હતો. કેપિટલ ગુડ્ઝ સેક્ટરમાં ઉત્પાદન 20.7 ટકા ગગડી ગયું હતું. ગયા વર્ષે તેમાં 6.9 ટકાનો વધારો થયો હતો. કેપિટલ ગુડ્ઝ એ રોકાણનું બેરોમીટર ગણાય છે. આમ, તેના પરથી માલૂમ પડે છે કે નવું રોકાણ આવતું નથી. સપ્ટેમ્બર 2019માં પ્રાઈમરી ગુડ્ઝ સેક્ટરમાં નેગેટિવ 5.1 ટકા વૃદ્ધિદર નોંધાયો હતો.
જોકે, ઈન્ટરમીડિયેટ ગુડ્ઝમાં 7 ટકા વૃદ્ધિ થઈ હતી, જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર/કન્સ્ટ્રક્શન ક્ષેત્રે નેગેટિવ 6.4 ટકા વૃદ્ધિદર નોંધાયો હતો. કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ સેક્ટરમાં નેગેટિવ 9.9 ટકા વૃદ્ધિદર અને કન્ઝ્યુમર નોન-ડ્યૂરેબલ્સમાં નેગેટિવ 0.4 ટકા વૃદ્ધિદર નોંધાયો હતો.
કુલ 23 માંથી 17 ઉદ્યોગોમાં ઉત્પાદન ઘટ્યું હતું. એટલે કે તેમાં નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો હતો. મોટર વ્હીકલ્સ, ટ્રેલર અને સેમિ-ટ્રેલરનું ઉત્પાદન સૌથી ખરાબ રહ્યું. તેમનું ઉત્પાદન નેગેટિવ 24.8 ટકા રહ્યું હતું. ફર્નિચરમાં નેગેટિવ 23.6 ટકા રહ્યું હતું. બીજી તરફ વૂડ અને વૂડ-કોર્ક પ્રોડક્ટ્સ(ફર્નિચર સિવાય)નું ઉત્પાદન સૌથી વધુ 15.5 ટકા વધ્યું હતું. બેઝીક મેટલનું ઉત્પાદન 9.2 ટકા વધ્યું હતું.
ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2019-20ના બીજા કવાર્ટર એટલે કે જુલાઇથી સપ્ટેમ્બર સુધીના બીજા કવાર્ટરના જીડીપીના આંકડા 29 નવેમ્બરે જાહેર થશે તેવી શક્યતા છે. ઔદ્યોગિત ઉત્પાદનમાં ઘટાડાનું મુખ્ય કારણ વિનિર્માણ ક્ષેત્રનું નબળુ પ્રદર્શન છે.