નવી દિલ્હી– બ્લેક મની પર રચાયેલી એસઆઈટીની ભલામણ જો સરકારે સ્વીકારી લીધી તો, લોકો 3 લાખથી વધુના રોકડ વ્યવહાર નહીં કરી શકે, સાથે 15 લાખ રૂપિયાથી વધુ રોકડ પણ પોતાની પાસે નહીં રાખી શકે. SITએ નાણાંમંત્રાલયને આ સંબંધમાં એક લેટર લખ્યો છે. આ લેટર અનુસાર એસઆઈટીએ સરકારને કહ્યું છે કે, બ્લેક મની અને તેના સોર્સ પર લગામ મુકવા માટે રોકડ સ્વરૂપે મોટી રકમનો સંગ્રહ કરવા કે, વ્યવહાર પર તાત્કાલિક પ્રતિબંધ મુકી દેવો જોઈએ. એસઆઈટીએ તાજેતરમાં જ બ્લેક મની સામે ચાલી રહેલી ઝૂંબેશ હેઠળ જપ્ત કરેલી રકમના આધારે આ ભલામણ કરી છે.
SITની ભલામણનો ચૂંટણી સાથે સીધો સંબંધ!
સૂત્રોના જણાવ્યા અનુસાર એસઆઈટીની ભલામણોનો સીધો સંબંધ લોકસભા ચૂંટણી સાથે હોવાનું માનવામાં આવી રહ્યું છે. 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે જાહેરાત કરી હતી કે, જો તે, સત્તા પર આવશે તો, ભારતીયોના દેશવિદેશમાં રહેલાં કાળાં નાણાં પર પ્રતિબંધ મુકવામાં આવશે. સરકારે ઘણાં નીતિગત નિર્ણયો પણ કર્યા છે. કાળાં નાણાં અને બેનામી સંપત્તિને લઈને કડક કાયદાઓ પણ બનાવ્યાં.
નાણાં મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, એસઆઈટીની ભલામણ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. હવે લોકસભાની ચૂંટણી આડે થોડો જ સમય બાકી રહ્યો છે. આ સ્થિતિમાં એસઆઈટીની આ ભલામણો પર કેટલી ઝડપી નિર્ણય લેવાશે કે અંગે હાલ કશું કહી ન શકાય
આવક વેરા વિભાગના સૂત્રોનો દાવો છે કે, બ્લેક મની સામે સરકારના સતત પ્રયાસોથી 70 દેશોમાંથી ભારતીયોના મોટા નાણાકીય વ્યવહારોની જાણકારી પ્રાપ્ત થઈ છે. 30 હજારથી વધુ પુરાવાઓ પણ હાથ લાગ્યાં છે. ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઈન્ફોર્મેશનના કરાર હેઠળ આ જાણકારી હાંસલ થઈ છે. જેની તપાસ ચાલી રહી છે.