નવી દિલ્હી: નિકાસકર્તાઓ માટે જીસએટી પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે નાણાંમંત્રાલયે તૈયારી કરી લીધી છે. જે હેઠળ જીએસટી રિફંડની મંજૂરી અને પ્રોસેસિંગ બંન્ને કામ સિંગલ વ્યવસ્થા અથવા કે ઓથોરિટી કરશે. નાણાંમંત્રાલયના અધિકારીએ આ માહિતી આપી હતી.
વર્તમાન વ્યવસ્થા પ્રમાણે રિફંડ મેળવવા માટે બે ઓથોરિટી પાસે મંજૂરી લેવી પડે છે. કેન્દ્ર સરકારના ટેક્સ અધિકારી અને રાજ્ય સરકારના અધિકારી બંન્ને પાસેથી મંજૂરી લેવી પડે છે અને બન્ને માટે પ્રોસેસ કરવી પડે છે. પરંતુ ઓગસ્ટ મહિનાથી નવું સ્ટ્રક્ચર અમલી બનાવવામાં આવી રહ્યું છે જેનાથી સિંગલ ઓથોરિટી જ અસ્તિત્વમાં આવી જશે.
મહેસૂલ વિભાગ હાલ જે નવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે તે મુજબ કરદાતાને રિફંડનો ક્લેમ મંજૂર થયા બાદ કર અધિકારી પાસેથી સંપૂર્ણ રિફંડ મળી જશે. વર્તમાનમાં કરદાતાના કેન્દ્રના ટેક્સ અધિકારી સમક્ષ રિફંડ ક્લેઇમ કરે તો તેના પર કેન્દ્રીય ટેક્સ અધિકારી 50 ટકા ક્લેમ મંજૂર કરે છે અને બાકીનો ક્લેઇમ રાજ્યના ટેક્સ અધિકારી વધુ સ્ક્રુટિની કર્યા પછી મંજૂર કરે છે. એ જ રીતે જ્યારે કરદાતા રાજ્યના ટેક્સ અધિકારી પાસે રિફંડ ક્લેમ કરે ત્યારે પણ એવું જ થાય છે. આ અધિકારી 50 ટકા ક્લેમ મંજૂર કરે છે અને બાકીનો ક્લેમ કેન્દ્રના ટેક્સ અધિકારી વધુ સ્ક્રુટિની બાદ મંજૂર કરે છે. તેને કારણે કરદાતાને તો પ્રામાણિકતાથી ટેક્સ ચૂકવ્યા પછી પણ પોતાનું રિફંડ મેળવવામાં સમય લાગી જાય છે અને નિકાસકારોની ડીલ મોટી હોવાથી તેમના રિફંડ અટવાઈ જાય તો નાણાંકીય તરલતાની સમસ્યા સર્જાય છે. જેનું બર્ડન બેંકો સુધી પહોંચી શકે છે
આવા સંજોગોમાં સરકારે રિફંડ માટે સિંગલ વિન્ડો મિકેનિઝમ વિચાર્યું છે. આ ‘સિંગલ ઓથોરિટી મિકેનિઝમ’ હેઠળ કેન્દ્ર કે રાજ્યના ટેક્સ અધિકારી સમક્ષ રિફંડ ક્લેમ ફાઇલ થયો તે સાથે જ અધિકારી ચેક કરશે, આકારણી કરશે અને સંપૂર્ણ ટેક્સ રિફંડ મંજૂર કરી દેશે. આથી કરદાતાની સંપૂર્ણ સમસ્યા દૂર થઈ જશે.