સિંગાપોર એરલાઈન્સ એર ઈન્ડિયામાં ઈન્વેસ્ટમેન્ટ વધારશે

સિંગાપોરઃ ગત્ ડિસેમ્બરમાં પૂરા થયેલા નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં સિંગાપોર એરલાઈન્સનો ચોખ્ખો નફો 62 કરોડ 80 લાખ સિંગાપોર ડોલર (46 કરોડ 50 લાખ યૂએસ ડોલર) નોંધાયો હતો, જે તેના નફાના વર્ષાનુવર્ષ આંકડાઓમાં અત્યાર સુધીનો સૌથી ઊંચો છે. નાણાકીય વર્ષના આરંભથી અત્યાર સુધીમાં આ એરલાઈને હાંસલ કરેલા નફાનો કુલ આંક છે, 155 કરોડ 50 લાખ સિંગાપોર ડોલર (115 કરોડ 20 લાખ યૂએસ ડોલર). વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટરમાં નફો વધવાનું કારણ એ છે કે એરલાઈને 2022ના એપ્રિલથી તેના સીમા નિયંત્રણો હળવા કરી દીધા હતા. ત્યારથી પેસેન્જરોની સંખ્યા વધવા માંડી છે.

એરલાઈને ભારતના ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયામાં તેની ભાગીદારી અંગે પણ એક નિવેદનમાં માહિતી આપી છે. તેણે કહ્યું છે કે તે એર ઈન્ડિયામાં વધુ 36 કરોડ સિંગાપોર ડોલર (26 કરોડ 70 લાખ યૂએસ કરોડ)નું મૂડીરોકાણ કરશે. એ સાથે એર ઈન્ડિયામાં તેનો હિસ્સો વધીને 25.1 ટકા થશે. જોકે એ સોદો ભારતના નિયામકની મંજૂરીને આધીન હશે.