નવી દિલ્હી – GST કાઉન્સિલની આજે અહીં મળેલી બેઠકમાં અમુક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કાઉન્સિલે છ મહિનામાં નવી અને સરળ પ્રક્રિયાવાળી GST માસિક રિટર્ન્સ ફાઈલ પદ્ધતિ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તદુપરાંત, કાઉન્સિલે સુગર સેસ લાદવાનો નિર્ણય મુલતવી રાખ્યો છે.
કાઉન્સિલે આ ઉપરાંત ડિજિટલ પેમેન્ટ માટે પ્રોત્સાહન આપવાનો નિર્ણય પણ મુલતવી રાખ્યો છે.
બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીએ પત્રકારોને કહ્યું કે કાઉન્સિલે સુગર સેસ લાગુ કરવા અને ડિજિટલ પેમેન્ટ પર બે ટકા પ્રોત્સાહન આપવાના નિર્ણય પર વિચાર કરવા માટે પાંચ નાણાંપ્રધાનોના બે અલગ અલગ જૂથની રચના કરવાનો નિર્ણય લીધો છે. બંને જૂથ પોતપોતાની ભલામણ કાઉન્સિલને કરશે.
આજે અહીં મળેલી 27મી બેઠકમાં કાઉન્સિલે બિન-સરકારી સંસ્થાઓનો ઈક્વિટી હિસ્સો પણ હાંસલ કરીને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ નેટવર્ક (જીએસટીએન)ની સંપૂર્ણ માલિકી પોતાને હસ્તક લઈ લીધી છે.
જેટલીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જીએસટી કાઉન્સિલ બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું અને બેઠકને સંબોધિત કરી હતી. એમણે કહ્યું કે, જીએસટી કાઉન્સિલે જીએસટીએન માળખાની માલિકીમાં પરિવર્તન વિશે પણ આજની બેઠકમાં વિચારણા કરવામાં આવી હતી.
જેટલીએ કહ્યું કે, નવી સરળ રિટર્ન ફાઈલિંગ પદ્ધતિને કાઉન્સિલે મંજૂરી આપી દીધી છે. કમ્પોઝિશન ડીલર્સ તથા ઝીરો ટ્રાન્ઝેક્શનવાળા ડીલર્સને બાદ કરતાં તમામ કરદાતાઓએ દર મહિને માત્ર એક જ વાર જીએસટી રીટર્ન ફાઈલ કરવાનું રહેશે. કમ્પોઝિશન ડીલર્સ તથા નો-ટ્રાન્ઝેક્શનવાળા ડીલર્સે પ્રત્યેક ક્વાર્ટરમાં માત્ર એક વાર રિટર્ન ફાઈલ કરવાનું રહેશે.