હરિયાણામાં ભાજપને મળેલી જીતથી સેન્સેક્સ 585 પોઇન્ટ ઊંચકાયો

અમદાવાદઃ સતત છ દિવસના ઘટાડા પછી ઘરેલુ શેરબજારમાં તેજી થઈ હતી. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી ભાજપને બહુમત મળતાં બજારમાં તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ 585 પોઇન્ટ ઊછળ્યો હતો, જ્યારે નિફ્ટી 24,800ને પાર પહોંચ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. આઠ લાખ કરોડનો વધારો થયો હતો. મિડકેપ અને સ્મોલકેપમાં પણ સેન્ટિમેન્ટ સુધર્યું હતું.

શેરબજારમાં હરિયાણાનાં ચૂંટણી પરિણામોની પ્રોત્સાહક અસર પડી હતી. જેથી હવે બજાર પર ચીનની અસર નહીં થાય, કેમ કે FPIના પૈસા ચીન જવાની શક્યતા ઓછી છે, એમ નિષ્ણાતોએ કહ્યું હતું. આમે FII ભારતમાં માત્ર 2-4 ટકા ઓવરવેટ હતા, પણ હવે તેમનો દ્રષ્ટિકોણ બદલાયો છે અને તેમને હવે ચીનથી પણ ગભરાવાની જરૂર નથી. આ ઉપરાંત રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની સમીક્ષા કરી રહી છે. બેન્ક વ્યાજદર પર શું સ્ટેન્ડ લે છે, એની પર બજારની નજર છે. આમે હવે બજારની નજર સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો પર રહેશે. બજારમાં કંપની પરિણામો જાહેર થતાં રોકાણકારોની નજર સ્ટોક સ્પેસિફિક પર રહેશે. જેથી BSE સેન્સેક્સ 585 પોઇન્ટ ઊછળીને 81,625ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી 217 પોઇન્ટ વધીને 25,013ના મથાળે બંધ આવ્યો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1236 પોઇન્ટ વધીને 58,536ના સ્તરે બંધ આવ્યો હતો. નનિફ્ટી બેન્ક 542 પોઇન્ટ વદીને 51,021ની સપાટીએ બંધ આવ્યો હતો.

BSE એક્સચેન્જ પર કુલ 4045 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 3019 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 925 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 101 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 332 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 253 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.