સેન્સેક્સ 1400 પોઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના 6.7 લાખ કરોડ સ્વાહા

અમદાવાદઃ વૈશ્વિક નબળા સંકેતોને લીધે રોકાણકારોએ શેરોની જાતેજાતમાં વેચવાલી કાઢી હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી બે ટકા કરતાં તૂટીને બંધ રહ્યા હતા. બજારના સૂચકાંકોમાં છેલ્લા બે મહિના કરતાં વધુ સમયમાં આવેલો મોટો કડાકો હતો. રોકાણકારોએ એક જ દિવસમાં રૂ. 6.7 લાખ કરોડ ગુમાવ્યા હતા. નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 15,800ની નજીકમાં બંધ રહ્યો હતો. મે મહિનામાં રોકાણકારોએ અત્યાર સુધી રૂ. 16 લાખ કરોડ ગુમાવ્યા છે. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં 1539 તૂટીને 52,669.50 થઈ અંતે 1416 તૂટીને 52,792.20ના બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 431 પોઇન્ટ તૂટીને 15,809ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્ક 848 તૂટીને 33,315 અને નિફ્ટી મિડકેપ 840 તૂટીને 27,272ની સપાટીએ બંધ રહ્યો હતો.   

વિદેશી રોકાણકારોની સતત વેચવાલી, મોંઘવારીમાં થઈ રહેલો વધારો, રશિયા-યુક્રેનની વચ્ચે લાંબા ચાલેલા યુદ્ધ, વિશ્વમાં સપ્લાય ચેઇનની મુશ્કેલીઓ, વ્યાજદરમાં વધારાની દહેશત અને આર્થિક મંદીની આશંકાએ અર્થતંત્રના વિકાસ દરમાં ઘટાડાના ભયે બજારમાં કડાકો બોલી ગયો હતો. મેમાં FIIએ અત્યાર સુધીમાં 37,937 કરોડની વેચવાલી કરી હતી, જ્યારે રૂપિયો પણ ઓલટાઇમ લો પર ટ્રેડ કરી રહ્યો છે.

છેલ્લા કેટલાક મહિનામાં બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. જેથી બજારનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. જાન્યુઆરી 2022માં સેન્સેક્સ 61, 200એ ઓલ ટાઇમ હાઇએ પહોંચ્યો હતો, જે હાલ 52, 800એ ટ્રેડ કરી રહ્યો છે.  મે મહિનામાં 19 મે સુધીમાં સેન્સેક્સ આશરે 4000 પોઇન્ટ તૂટી ચૂક્યો છે. 29 એપ્રિલે સેન્સેક્સ 57,061ના સ્તરે બંધ હતો, જ્યારે હાલ એક 53,054ના નીચલા સ્તરે પહોંચ્યો છે.