સેન્સેક્સ 3600 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટી 7,700ની નજીક

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રારંભે ભારે વેચવાલી થઈ હતી. જેને પગલે શેરબજારમાં 10 ટકાનો ઘટાડો થયો હતો. જેને પગલે બજારમાં સરકિટ લાગી હતી. ત્યાર બાદ 45 મિનિટ સુધી ટ્રેડિંગ રોકવામાં આવ્યાં હતા. જોકે સરકિટ લાગ્યા બાદ ફરી માર્કેટ ખૂલ્યાં ત્યારે એમાં વધુ ઘટાડો નોંધાયો હતો. જેથી સેન્સેક્સ 3600 પોઇન્ટ કરતાં વધુ અને નિફ્ટી ઇન્ડેક્સ 1,057 પોઇન્ટ તૂટી ગયા હતા. આમ સેન્સેક્સ અને નિફ્ટી 12 ટકા કરતાં વધુ તૂટ્યાં હતાં. આજે રોકાણકારોના આશરે રૂ. 10 લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતા. બેન્કિંગ શેરોમાં ભારે ધોવાણ થયું હતું. સેબીએ શુક્રવારે શોર્ટ સેલિંગ પર પ્રતિબંધ મૂકવા છતાં એની કોઈ અસર બજાર પર દેખાતી નહોતી. વળી, કોઈ રાહત પેકેજ જાહેર નહીં થતાં શેરબજારોમાં વેચવાલી ચાલુ રહી હતી.


ડોલર સામે રૂપિયો 76ને પાર

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સોમવારે 76ને પાર થયો હતો. કોરોના વાઇરસનો ચેપ જે ઝડપે વધી રહ્યો છે એને લીધે આર્થિક અનિશ્ચિતતાઓમાં વધારો થતાં ડોલર સામે રૂપિયો વધુ ગગડ્યો હતો. ડોલર સામે રૂપિયીએ 76.15નું મથાળું બનાવ્યું હતું. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ સ્થાનિક મૂડીબજારોમાંથી રૂ. એક લાખ કરોડ પાછા ખેંચ્યા હતા.

કોમોડિટી બજારો, કૂડ અને મેટલ્સમાં પણ ઘટાડો

કોરોના વાઇરસના ડરને કારણે માગ ઘટવાની આશંકાએ ક્રૂડ ઓઇલ અને મેટલ્સમાં ભારે ઘટાડો નોંધાયો હતો. વિશ્વના અનેક દેશોએ લોકડાઉન કર્યા છે, જેનાથી ક્રૂડની માગ અને વૈશ્વિક ગ્રોથમાં ઘટાડાની અસર છે. ક્રૂડની કિંમતો વર્ષના પ્રારંભથી 60 ટકા ઘટી ચૂકી છે. એસ એન્ડ પીએ ક્રૂડનું અનુમાન 10 ડોલર ઘટાડ્યું છે. બેસ મેટલ્સ પણ દબાણ છે. મેટલ્સમાં બેથી ચાર ટકાનો ઘટાડો નોંધાયો હતો.

સરકારે 75 જિલ્લાઓમાં લોકડાઉન કર્યું

સરકારે કોરોના વાઇરસના ચેપને વધતો અટકાવવા માટે દેશના 75 જિલ્લાઓમાં લોકડાઉન કર્યું હતું. જેથી કેટલાય ઉદ્યોગો અને આર્થિક કામકાજ પર પ્રતિકૂળ અસર પડી છે. શુક્રવારે ડાઉ જોન્સ અને નેસ્ડેટ પણ ચાર ટકા ઘટીને બંધ રહ્યાં હતાં. ડાઉ જોન્સમાં તો સાપ્તાહિક ઘટાડો ઓક્ટોબર, 2008 પછી સૌથી ખરાબ રહ્યો હતો.