મુંબઈઃ કેન્દ્રના વર્ષ 2021-22ના અંદાજપત્રની રજૂઆત સમયે એક દરખાસ્ત એ હતી કે રોકાણકારોને નાણાકીય પ્રોડક્ટ્સના ખોટી સલાહ આપીને કરવામાં આવતા વેચાણ એટલે કે મિસ-સેલિંગથી રક્ષણ કરવાના હેતુથી એક ચાર્ટર બહાર પાડવું. આ ચાર્ટર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવ્યું છે.
આ ચાર્ટરમાં દેશની સિક્યોરિટીઝ બજારમાં રોકાણકારોના હક અને જવાબદારીઓ અને રોકાણકારોએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની યાદી આપવામાં આવી છે. આ ચાર્ટર પ્રકાશિત કરવા માટેનો હેતુ રોકાણકારોનાં હિતોની રક્ષા કરવાનો છે. રોકાણકારો પોતે સામેલ જોખમોને સમજે અને તેઓ ન્યાયી, પારદર્શી, સલામત રીતે રોકાણ કરે અને સમયસર અને યોગ્ય રીતે સર્વિસીસ પ્રાપ્ત કરે એ છે.
સેબીમાં રજિસ્ટર્ડ બ્રોકરો સહિતની તમામ ઇન્ટરમિડિયરીઝ અને નિયામક આધીન હસ્તીઓ ફરિયાદ નિવારણ યંત્રણા સહિત તેમના રોકાણકાર ચાર્ટરનું પાલન કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે.
નિયામકે માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યૂશન્સ જેવી કે સ્ટોક એક્સચેન્જીસ, ક્લિયરિંગ કોર્પોરેશન્સ અને ડિપોઝિટર્સ માટે એક અલગ ઇન્વેસ્ટર ચાર્ટર બહાર પાડ્યું છે. રોકાણકારોની ફરિયાદોનું નિયમિત અંતરે પૃથકકરણ કરાય અને જરૂરી હોય તો નીતિમાં ફેરફારો કરવામાં આવે એની કાળજી પણ આ ચાર્ટર મારફત રહેશે.
રોકાણકારોએ સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણ કરવા માટે નિયત મર્યાદાથી અધિક રોકડામાં ચુકવણી ન કરવી જોઈએ. મહત્ત્વની માહિતી જેવી કે ખાતાની વિગતો અને પાસવર્ડ ઇત્યાદિની જાણ કોઈને પણ ન કરવી જોઈએ.