ડોલર સામે રૂપિયો 82.40ની રેકોર્ડ નીચી સપાટીએ

નવી દિલ્હીઃ US ફેડ રિઝર્વના અધિકારીઓના આકરા વલણ બાદ અમેરિકી ડોલરના મુકાબલે તૂટીને 83.40ના સ્તરે પહોંચ્યો હતો. આ રૂપિયાનું અત્યાર સુધીનું સૌથી નીચું લેવલ છે. રૂપિયાએ પહેલી વાર 82ની સપાટી તોડી છે. ક્રૂડની કિંમતોમાં તેજી અને US બોન્ડ યિલ્ડમાં વધારાને પગલે કરન્સી માર્કેટમાં રૂપિયા પર દબાણ વધ્યું હતું. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતાઈએ પણ રૂપિયા પર દબાણ વધારવાનું કામ કર્યું હતું.

ભારતીય કરન્સી મૂલ્યમાં આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. મેક્રો ઇકોનોમીથી જોડાયેલી ચિંતાઓ અને ફેડ રિઝર્વના વ્યાજદર વધારાને કારણે રોકાણકારોએ ડોલરમાં મૂડીરોકાણ વધારતાં રૂપિયામાં નબળાઈ જોવા મળી છે.

શિકાગો ફેડ પ્રેસિડેન્ટ ચાર્લ્સ ઇવાન્સે કહ્યું હતું કે 2023ની વસંત સુધી ફેડના પોલિસી દર 4.5-4.75 ટકા પહોંચે એવી શક્યતા છે. મોંઘવારીને કાબૂમાં કરવા માટે ફેડ રિઝર્વ વ્યાજદરોમાં સતત વધારો કરી રહી છે. વળી, અર્થતંત્રની અનિશ્ચિતતાને લીધે ડોલરમાં મજબૂતાઈ છે. સતત બે દિવસની તેજી પછી ડોલર ઇન્ડેક્સ 112ની સપાટીએ પહોંચ્યો છે.

ક્રૂડની કિંમતોમાં તેજી અને ડોલર ઇન્ડેક્સમાં રિકવરીને પગલે રૂપિયામાં નબળાઈ વધી છે. રૂપિયો હજી વધુ નબળો પડીને રૂ. 83ની સપાટીએ પહોંચવાની શક્યતા છે, એમ IIFLના VP-રિસર્ચ અનુજ ગુપ્તાએ કહ્યું હતું. કરન્સી માર્કેટમાં ગઈ કાલે ડોલર સામે રૂપિયો 44 પૈસા ઘટી 81.89 પ્રતિ ડોલરે બંધ થયો હતો. આજે ડોલર સામે રૂપિયો અત્યાર સુધી 51 પૈસા તૂટી ચૂક્યો છે.