અમદાવાદઃદેશભરનાં બજારોમાં ડુંગળીની કિંમતો આસમાને પહોંચી હતી. ડુંગળીની કિંમતો એટલી બધી વધી ગઈ હતી કે ચોરે કીમતી ચીજવસ્તુઓ ચોરવાને બદલે ડુંગળીની ટ્રકોની ચોરી કરી હોવાના કિસ્સા પણ દેશમાં બન્યા હતા. વળી, વોટ્સએપ પર ડુંગળી કબાટમાં કીમતી જણસની જેમ લોકરમાં મૂકી હોવાના વિડિયો પણ વાઇરલ થયા હતા, પણ હાલ ડુંગળીની જથ્થાબંધ આવકો પર્યાપ્ત છે છતાં છૂટક બજારમાં ડુંગળીની કિંમતો ઘટવાનું નામ નથી લેતી.
બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવે એવો ઘાટ છે હાલ. દિલ્હીની આઝાદપુર મંડીમાં દરરોજ ગુજરાત અને મહારાષ્ટ્રથી આશરે 50 ટ્રકની ડુંગળીની આવક છે. એટલે કે 20 ટન ડુંગળી રોજ મંડીમાં આવી રહી છે, છતાં છૂટકમાં ડુંગળીની કિંમતો પ્રમાણમાં હજી વધુ છે. જોકે આમાં વર મરો, કન્યા મરો, પણ કન્યાનું તરભાણું ભરો એવો ઘાટ છે. એટલે કે ખેડૂતોને તેમની ઊપજના ઓછા ભાવ ઊપજે છે, જ્યારે ગાહકને છૂટકમાં ડુંગળી ઊંચા ભાવે મળે છે… એટલે વચેટિયાઓ (વેપારીઓ) બે વચ્ચેની મલાઈ હડપ કરી જાય છે. એટલે સરકારે ભાવ અંકુશમાં રહે એવી પદ્ધતિ વિકસાવવી જોઈએ.
મંડીઓમાં જે ડુંગળીની કિંમતો રૂ. 15થી રૂ. 25 ચાલી રહ્યા છે, ત્યારે છૂટક બજારમાં એ ડુંગળી કિલોદીઠ રૂ. 40-60 વેચાય છે. સામાન્ય રીતે વેપારી ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ વગેરેનો ખર્ચ જોતાં રૂ. 15નું માર્જિન રાખે છે, પણ 100 ટકા માર્જિન મધ્યમ વર્ગનાં ખિસ્સાં પર સીધી અસર કરે છે. જોકે કેટલાય વેપારીઓ આનું સાચું કારણ નથી જણાવી રહ્યા.
નાસિકમાં જથ્થાબંધ કિંમતોમાં ભારે ઘટાડો
દિલ્હીમાં સૌથી વધુ ડુંગળીની આવક નાસિકથી થાય છે. પાછલાં કેટલાંક સપ્તાહથી ડુંગળીની સરેરાશ જથ્થાબંધ કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. શુક્રવારે એક ક્વિન્ટલ ડુંગળીની કિંમતો રૂ. 1600 હતી, જે 31 જાન્યુઆરી, 2019એ રૂ. 2600 હતી. 18 ડિસેમ્બરે લાસલગાંવ મંડીમાં સરેરાશ ડુંગળીની કિંમતો ઓલટાઇમ હાઇ એટલે કે રૂ. 8,625 હતી. આ હિસાબે ડુંગળીની કિંમતોમાં 81 ટકાનો ઘટાડો નોંધાયો છે.
20 જાન્યુઆરીએ એક ક્વિન્ટલ ડુંગળીનો જથ્થાબંધ ભાવ રૂ. 4,100 હતો. એટલે કે એ દિવસે જ 64 ટકાનો ઘટાડો થયો હતો, પણ રિટેલમાં ડુંગળી એટલી સસ્તી નહોતી થઈ. 15 ડિસેમ્બર અને 15 જાન્યુઆરી સુધી ડુંગળીની જથ્થાબંધ કિંમતો રૂ. 100થી રૂ. 60ની વચ્ચે હતા.
બજારના નિષ્ણાતો જણાવ્યા પ્રમાણે જથ્થાબંધ અને રિટેલમાં મોટું અંતર છે. ડુંગળીની આવકો ઓછી નથી, પણ રિટેલમાં કિંમતો ઘણી વધારે છે. અમદાવાદમાં પણ ડુંગળીની કિંમતો કિલાદીઠ રૂ. 40-60 જેટલી છે.
આમ ડુંગળીની આવકો વધુ છે, પણ હંમેશની જેમ દેશમાં જેતે ચીજવસ્તુની વધેલી કિંમતો એક વાર વધ્યા પછી ફરી ઘટે ક્યાં છે?