નવી દિલ્હી- ચાલુ નાણાકીય વર્ષમાં રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ તેમના ભાડામાં વધારો કરે તો નવાઈ નહીં. કારણ કે, રિલાયન્સ જિઓને જો પ્રતિસ્પર્ધામાં ટકી રહેવા માટે આ વર્ષે રૂ.9000 કરોડનો ખર્ચ કરવો પડે તેમ છે. જિઓએ તેના ફાયબર અને ટાવર એસેટ્સ માટે પૈસા ખર્ચ કરવા પડશે આ સાથે જ તેના પ્રતિસ્પર્ધી વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલના મૂડી વૃદ્ધિના પ્લાન સાથે પણ સાથ મિલાવવો પડશે.
જે.પી મોર્ગનના જણાવ્યા અનુસાર ગત છ કે નવ મહિના પહેલા પરિસ્થિતિ જુદી હતી પરંતુ હવે જિઓ તેની કિંમતમાં વધારો કરે તેવી શક્યતા છે. તેની પોઝિટિવ અસર તેના પ્રતિસ્પર્ધી વોડાફોન આઈડિયા પર થશે. રોકાણકારોનું માનવું છે કે, વોડાફોન આઈડિયા અને એરટેલના મૂડી વૃદ્ધિના પ્લાન દર્શાવે છે કે તે હવે જિઓને ટક્કર આપવા સક્ષમ છે. તેને કારણે જિઓને તેની કિંમત અંગે ફેરવિચાર કરવો પડશે.
VIL (વોડાફોન આઈડિયા લિમિટેડ) અને ભારતી એરટેલ સમગ્ર દેશમાં તેમનો 4G બિઝનેસ વધારવા માટે અને જિઓને ટક્કર આપવા માટે તેમના કેટલાંક રાઈટ્સના વેચાણથી રૂ.25,000 કરોડ ઊભા કરવાનું આયોજન કરી રહ્યાં છે. જિઓના મેનેજમેન્ટે જણાવ્યું છે કે તે અત્યારે ભાડામાં કોઈ ફેરફાર કરવા નથી માંગતા અને તેમનો ધ્યેય ગ્રાહકો કે સબસ્ક્રાઈબર્સની સંખ્યા વધારવાની છે.
મહત્વની છે કે જિઓના આગમન સાથે જ સપ્ટેમ્બર 2106થી બીજા સર્વિસ પ્રોવાઈડર્સને ભાવ ઘટાડવાની ફરજ પડી હતી. નીચા ભાવને કારણે દેશમાં વોઈસ અને ડેટા સર્વિસિસનો વપરાશ વધ્યો છે. પ્રાઈસ વોરને કારણે ગ્રાહકોને મોટો ફાયદો થયો હતો અને જૂની કંપનીઓને નુકસાન ગયું હતું. વર્તમાનમાં માર્કેટમાં મુખ્ય ત્રણ પ્લેયર્સ છે, વોડાફોન-આઈડિયા, ભારતી એરટેલ અને રિલાયન્સ જિઓ. મુકેશ અંબાણીની જિઓ પાસે અત્યારે 30.67 કરોડ યુઝર્સ છે. તેમના નેટ પ્રોફિટમાં ચોથા ક્વાર્ટરમાં 65 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા છ ક્વાર્ટરથી કંપની સતત નફો કરી રહી છે.
જેએમ ફાયનાન્શિયલના જણાવ્યા અનુસાર 2019ના માર્ચ ક્વાર્ટરમાં જિઓ સૌથી મોટી ટેલિકોમ કંપની બની જશે. સાથે જ કંપનીની 11,100 કરોડની રેવન્યુ થઈ જશે. તે આ જ ગાળામાં 10,900 કરોડની સ્ટ્રેન્થ ધરાવતી VILને ક્રોસ કરી જશે. 9000 કરોડના ખર્ચ માટે રિલાયન્સ જિયો ગ્રાહકો પર ભારણ નાંખશે કે કેમ તે તો સમય જ બતાવશે.