દેશની ટોચની 10 સૌથી સશક્ત બ્રાન્ડમાં ‘રેમન્ડ’ સામેલ

 મુંબઈઃ રેમન્ડ AAA-નું બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (BSI) રેટિંગ મેળવીને સૌપ્રથમ વાર ભારતની ટોચની 10 સૌથી મજબૂત બ્રાન્ડ્સની લીગમાં પ્રવેશી છે, એમ વર્ષ 2024નો બ્રાન્ડ ફાઇનાન્સ રિપોર્ટ કહે છે.  ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા સંચાલિત થતી બ્રાન્ડ ફાઇનાન્સ વિશ્વની અગ્રણી બ્રાન્ડ વેલ્યુએશન કન્સલ્ટન્સી છે.

આ રિપોર્ટ અનુસાર ભારતીય કંપનીઓમાં રેમન્ડની વૃદ્ધિ અસાધારણ રહી છે, કંપનીની બ્રાન્ડ વેલ્યુ 12 ટકાના નોંધપાત્ર વધારા સાથે USD 305 મિલિયન સુધી પહોંચી છે. આ સિદ્ધિ સ્પર્ધાત્મક ભારતીય બજારમાં રેમન્ડની સાતત્યપૂર્ણ કામગીરી અને મજબૂત બ્રાન્ડ ઇક્વિટીને રેખાંકિત કરે છે.

આ સિદ્ધિ પર ટિપ્પણી કરતાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ હરિ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે દેશની ટોચની બ્રાન્ડ્સમાં સામેલ થવા બદલ અમે અત્યંત ગર્વની લાગણી અનુભવીએ છીએ. તે રેમન્ડના સ્થાયી વારસા, નવીન વ્યાપાર વ્યૂહરચનાઓ અને ગુણવત્તા તેમ જ ગ્રાહક સંતુષ્ટિ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. આ નવી ઓળખ ઇન્ડસ્ટ્રીમાં નેતૃત્વની સ્થિતિ જાળવી રાખવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. અમારી ટીમનું સમર્પણ, અમારા ગ્રાહકનો વિશ્વાસ અને એકંદરે અમારી બ્રાન્ડની મજબૂતાઈ અમારી વૃદ્ધિની સફરના કેન્દ્રમાં છે.

પોતાના સમૃદ્ધ વારસાને કારણે રેમન્ડ 100 ટકા રિકોલ વેલ્યુ ધરાવતું ભારતના દરેક પરિવારમાં જાણીતું નામ છે. “ધ કમ્પ્લિટ મેન”ની આઇકોનિક ટેગલાઇન, તેની અનોખી ટ્યુન (સોનિક ઓળખ) અને ભારતમાં ભાગ્યે જ કોઈ લગ્ન રેમન્ડની હાજરી વિના થતા હોવાની હકીકત આ સિદ્ધિને સાર્થક બનાવનારા સૌથી મોટા પરિબળ છે.
સપ્ટેમ્બરમાં 99 વર્ષ પૂરાં કરીને પોતાના શતાબ્દી વર્ષમાં પ્રવેશવા આગળ વધતી રેમન્ડ ભારતના 600 શહેરો અને નગરોમાં 1500+ રિટેલ સ્ટોરના નેટવર્ક સાથે સૌથી મોટી ગાર્મેન્ટિંગ/ટેક્સટાઈલ કંપનીઓમાંથી એક છે. તેમની વ્યાપક વૃદ્ધિની વ્યૂહરચના વ્યાપાર કૌશલ્યની સતત વિકસતી ભાવનાને અનુરૂપ છે.
રિયલ્ટી સેક્ટરમાં પ્રવેશ પણ સાવચેતીપૂર્વકનો હતો. રેમન્ડની વ્યવસાયિક ક્ષમતાના મૂલ્યાંકન અને સમજણ પછી જ કંપનીએ રિયલ એસ્ટેટમાં પ્રવેશ કરવા માટે તેમના વિશ્વાસ, ગુણવત્તા અને શ્રેષ્ઠતાના વારસાનો મહત્તમ ઉપયોગ કર્યો હતો. રેમન્ડ રિયલ્ટી જૂથના વારસાને આગળ ધપાવવા માટે MMRમાં વિસ્તરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ગ્રાહક કેન્દ્રિતતા સાથે નવા બેન્ચમાર્ક સ્થાપિત કરવાનું વલણ તેના કેન્દ્રમાં છે.

રેમન્ડે તેના સમૃદ્ધ વારસાના આધારે આગળ વધવાનું ચાલુ રાખ્યું છે, ત્યારે કંપની આત્મનિર્ભર અને વિકસિત ભારતના રાષ્ટ્રના વિઝન સાથે સંકળાઈને વિકાસને પ્રોત્સાહન આપવા અને ભારતની સેવા કરવા માટે સમર્પિત છે.