રેલવેનો મહત્વનો નિર્ણય: ખાલી કન્ટેનરો અને વેગનો પર મળશે 25 ટકાની છૂટ

નવી દિલ્હી- રેલવે મંત્રાલયે એક મહત્વનો નિર્ણય લીધો છે. જે હેઠળ રેલવે દ્વારા બંદરો સુધી કન્ટેનરોની આવક જાવકને સુગમ બનાવવા માટે ખાલી કન્ટેનરો અને ખાલી રહેતા ઓપન વેગનોની આવક જાવક પર પ્રતિ 20 ફુટ સમતુલ્ય એકમ (TEU) પ્રવર્તમાન નૂર દરો પર 25 ટકાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આ પ્રકારે રેલવેના માધ્યમથી બંદરો સુધી વધુ પ્રમાણમાં શિપમેન્ટ કરી શકાશે. સાથે જ બંદરો સુધી ટ્રાફિકની યોગ્ય વ્યવસ્થામાં વૃદ્ધિ થવા ઉપરાંત કન્ટેનરના ટ્રાફિકના મોટા ભાગને રેલવે તરફ આકર્ષિત કરી શકાશે.આ પગલું કન્ટેનર ટ્રેન ઓપરેટર્સ (CTO)ની માગને પૂર્ણ કરવા માટે રેલવેએ લીધું છે. રેલવેના આ પગલાંથી કન્ટેનર વેપારને  આયાત, નિકાસ અને સ્થાનિક સ્તર પર પ્રોત્સાહન મળશે. આ પગલું ભારતીય રેલવે માટે ફાયદાકાર સાબિત થઈ શકે છે. દરમાં 25 ટકાનો ઘટાડાથી  રેલવેને વધુ ટ્રાફિક મળે તેવી શક્યતા છે. આ ઉપરાંત રેક્સની આવક જાવક સુગમ થવાથી માલ પહોંચાડવાના સમયમાં ઘટાડો થશે અને ઉત્પાદનો સમય પર યોગ્ય સ્થળે પહોંચાડી શકાશે. હાલ 18 ખાનગી કન્ટેનર ટ્રેન ઓપરેટર (CTO) અને સીઓએનસીઓઆર આ કન્ટેનર સેવાનું સંચાલન કરી રહ્યાં છે.ભારતીય રેલવેનો પ્રાથમિક એજન્ડા ફ્રેટ બાસ્કેટ્સનું વિસ્તરણ કરવાનો છે. ભારતીય રેલવેએ તેના ફ્રેટ બાસ્કેટ્સમાં વિવિધતા લાવવા અને તેનો વિસ્તરણ કરવાની જરૂરિયાત અનુભવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ નવી કોમોડિટીની આવક જાવકને પોતાની તરફ આકર્ષિત કરવાનો છે, જે પહેલા જમીન માર્ગે અથવા પરિવહનના અન્ય સાધનો મારફતે થતી હતી.