રેલવેએ નિયમોમાં ફેરફાર કરીને 1500 કરોડની વધારાની આવક મેળવી

નવી દિલ્હી– ભારતીય રેલવેએ ડિસેમ્બર 2015થી અત્યાર સુધીમાં 1500 કરોડ રૂપિયાની વધારાની આવક રળી છે. રેલવેપ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે, 5થી 12 વર્ષ સુધીના બાળકો માટે આખી ટિકિટ વસૂલવાને કારણે રેવન્યૂમાં વધારો થયો છે. હવે જો બાળકો માટે અલગથી સીટ બૂક હોય તો રેલવે દ્વારા તેમના પર પણ આખુંં ભાડું વસૂલવામાં આવે છે.

ગોયલે કહ્યું કે, રેલવેના આ નિયમમાં ફેરફાર કર્યા બાદ ડિસેમ્બર 2015થી મે 2019ની વચ્ચે અંદાજે 1569 કરોડ રૂપિયાની વધારાની આવક મેળવી છે. ડિસેમ્બર 2015માં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને બાળકો માટે અલગથી બર્થ અને સીટ બૂક કરવાની સુવિધા આપી હતી. 5થી 12 વર્ષના બાળકો માટે આખી ટિકિટ લેવા પર આ સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવે છે.

પીયૂષ ગોયલે રેલવેમાં બમ્પર ભરતીની પણ વાત કરી છે, જે હેઠળ 2.32 લાખ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગત વર્ષે ભરતી પરીક્ષાથી રેલવેને સવા 415 કરોડની આવક થઈ હતી.

પશ્ચિમ રેલવે દ્વારા મે 2019માં ટિકિટ વગર મુસાફરી/ અનિયમિત ટિકિટ પર મુસાફરી કરનારા વિરુદ્ધ ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન બૂક કર્યા વગરના સામાનના પ્રકરણો સહિત વગર ટિકિટ યાત્રાના લગભગ 2.87 લાખ મામલા પકડવામાં આવ્યા હતાં. આ મામલાઓમાંથી 14.48 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો.

યાત્રી ભાડામાં વધારો કર્યા વગર રેલવે તેમની આવકમાં વધારો કરવા માગે છે. હાલમાં જ રેલવે પ્રધાન પીયૂષ ગોયલ સાથે થયેલી મીટિંગમાં પશ્ચિમ રેલવેએ કહ્યું કે, નાણાકીય વર્ષ 2019 20માં નોન ફેર રેવેન્યુ (NFR)નો ટાર્ગેટ 60 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે. મે 2019 સુધી પશ્ચિમ રેલવે 13.59 કરોડ રૂપિયાની આવક કરી ચૂક્યું છે, જ્યારે આ જ સરેરાશથી કમાણી થઈ રહી તો નાણાકીય વર્ષ 2019 20માં લગભગ 74 કરોડ રૂપિયાની આવક થશે.