કોરોના કેસો ઘટતાં રેલવે પેસેન્જર ક્ષમતા 80%એ પહોંચી

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાઇરસના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને એના પરિણામસ્વરૂપ લોકડાઉનના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે, જેથી દેશમાં વધુ ને વધુ લોકો ટ્રેન ટિકિટનું બુકિંગ કરાવી રહ્યા છે અને ટ્રેનમાં યાત્રા કરી રહ્યા છે. જેથી ભારતીય રેલવે હાલની ક્ષમતા જોતાં ક્ષમતા વધારી રહી છે. એનાથી કેટલાય રેલવેના યાત્રીઓને રાહત મળી છે, કેમ કે મોટા ભાગની ટ્રેનો મહત્ત્વના રૂટો પર દોડી રહી છે. રેલવે મંત્રાલયે હાલમાં જણાવ્યું હતું કે રેલવેની ક્ષમતા વધીને- માર્ચથી યાત્રીઓની વ્યસ્તતા વધીને 80 ટકા થઈ ગઈ છે.

ભારતીય રેલવે આશરે 1490 મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનો અને 947 પેસેન્જર ટ્રેનો ચલાવી રહી છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પ. લિ. (IRCTC)નું ટિકિંગ બુકિંગ દૈનિક ધોરણે મેમાં આશરે 5,00,000 ટિકિટ હતું, જે હાલ 8,00,000એ પહોંચી ગયું છે. મંત્રાલયે કહ્યું હતું કે એનું આશરે 90 ટકા ટિકિટ IRCTC પોર્ટલના માધ્યમથી બુક કરવામાં આવે છે.

વિભાગ સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું હતું કે ટ્રેનોના સંચાલન મુદ્દે રાજ્ય સરકારો સાથે પહેલાં ચર્ચા થઈ ચૂકી છે. લોકોની માગને આધારે ટ્રેનોને ફરીથી શરૂ કરવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું. વળી આવનારી તહેવારોની સીઝનમાં માગમાં ઓર વધારો થવાની વકી છે, એમ તેમણે કહ્યું હતું.

વળી, રેલવે દેશભરમાં લોકલ ટ્રેનો ફરી શરૂ કરવાની સંભાવના પર ચર્ચા કરી રહી છે. દિલ્હીથી પલવલ, મહેન્દ્રગઢ, સોનીપત, ગુરુગ્રામ વગેરે શહેરોમાં લોકલ સબર્બન સર્વિસ સેવા આવતા મહિનાથી શરૂ થશે.