નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર જલ્દી જ પાવર ટ્રાફિક પોલિસીને મંજૂરી આપી શકે છે. આ અંતર્ગત 1 એપ્રિલથી વીજળી વિતરણ કંપનીઓ પર અઘોષિત વીજળી કપાત કરવા પર દંડ લગાવવામાં આવશે. તો આ સાથે જ વીજળીની કપાત કયા કારણોસર થઈ તે મામલે પણ કંપનીઓએ જાણકારી આપવાની રહેશે. ઊર્જાપ્રધાન આર.કે સિંહે જાણકારી આપતા કહ્યું કે ટેરિફ પોલિસી પર પ્રસ્તાવ તૈયાર છે. આને જલદી જ કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે. જેમાં પૂર્વ જાણકારી વગર વીજળી કટ કરવા પર દંડનું પ્રાવધાન હશે.
જો કે આ પ્રસ્તાવમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કોઈ ટેક્નિકલ ક્ષતી અથવાતો કોઈ પ્રાકૃતિક આપદાને લઈને વિજળી કપાત થવા પર કોઈ કાર્યવાહી નહી થાય. સિંહે જણાવ્યું કે વિજળી પ્રાપ્ત કરાવવાથી લઈને તેના ભાવ નક્કી કરવા સુધીની જવાબદારી રાજ્ય નિયામક આયોગની હોય છે. ત્યારે આવામાં વિજળી કપાત પર દંડની રકમ નક્કી કરવાનું પણ રાજ્ય સરકારનું કામ હશે.