મુંબઈ તા. 21 ડિસેમ્બર, 2022: પીએનજીએસ ગાર્ગી ફેશન્સ જ્વેલરી લિમિટેડ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 409મી કંપની તરીકે લિસ્ટ થઈ છે. કંપની રૂ.10ની મૂળ કિંમતના 26 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.30ની કિંમતે ઓફર કરીને રૂ.7.80 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 13 ડિસેમ્બર, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
પીએનજીએસ ગાર્ગી ફેશન્સ જ્વેલરી મહારાષ્ટ્રસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ પુણે ખાતે છે. કંપની “ગાર્ગી બાય પી.એન. ગાડગિલ એન્ડ સન્સ” બ્રાન્ડ હેઠળ કોસ્ચુમ્સ અને ફેશન જ્વેલરીનો રિટેલ વેપાર ધરાવે છે. કંપનીએ આ બ્રાન્ડ 2021માં લોન્ચ કરી હતી. કંપનીના કામકાજમાં 92.5 ટકા હિસ્સો સર્ટિફાઈડ સ્ટર્લિંગ સિલ્વર જ્વેલરી અને બ્રાસ જ્વેલરી, મૂર્તિઓ અને ચાંદીનાં વાસણો તેમ જ તેને સંબંધિત ગિફ્ટ આઈટેમ્સ ધરાવે છે. આ સિવાય કંપની આર્ટિફિશિયલ જ્વેલરીનું કામકાજ ધરાવે છે. કંપની વિસ્તૃત પ્રોડક્ટ રેન્જ ધરાવે છે, જેમાં પેન્ડન્ટ્સ, ચેઈન્સ, બ્રેસલેટ્સ, એન્કલ્સ, નોઝ પોઈન્ટ્સ, મંગલસૂત્ર વગેરેનો સમાવેશ થાય છે.
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પરથી 158 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ ચે. લિસ્ટેડ 408 કંપનીઓએ બજારમાંથી રૂ.4,502 કરોડ એકત્ર કર્યા છે, જેનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 19 ડિસેમ્બર, 2022ના રોજ રૂ.65,000 કરોડ હતું. બીએસઈ આ ક્ષેત્રે 60 ટકા બજાર હિસ્સા સાથે મોખરે છે.