નવી દિલ્હી- પંજાબ નેશનલ બેંક માટે શનિવારે એક મોટા સમાચાર આવ્યાં છે. ડેબ્ટ રિકવરી ટ્રિબ્યૂનલ (DRT)એ તેમના અંતિમ આદેશની જાહેરાત કરી દીધી. પૂણે સ્થિત ડીઆરટીએ નીરવ મોદી અને તેના સહયોગીઓને પંજાબ નેશનલ બેંકને વ્યાજ સાથે 7,200 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. પીએનબી પ્રથમ એવી બેંક હતી જેમણે ગત વર્ષે જુલાઈમાં ડીઆરટીનો સંપર્ક કર્યો હતો. આ પહેલાં સિંગાપોર હાઇકોર્ટે પણ નીરવ મોદીના બ્રિટિશ વર્જીન આઇલેન્ડમાં પેવેલિયન પોઇન્ટ કોર્પ કંપનીના ખાતાં ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો હતો.
ડીઆરટીએ રિકવરી સર્ટિફિકેટ્સ જાહેર કરી દીધાં છે, જેના આધાર પર બેંક રિકવરી ઓફિસર જરૂર પડયે નીરવ મોદીની સંપત્તિ પણ ટાંચમાં લઈ શકે છે. પરંતુ નીરવ મોદીની મોટાભાગની એસેટ્સ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) દ્વારા પહેલાંથી જ ટાંચમાં લઈ લેવાઈ છે, જેથી હવે એ જોવાનું રહેશે કે, રિકવરી અધિકારી કેવી રીતે સમગ્ર પ્રક્રિયાને આગળ વધારે છે. રિકવરી ઓફિસર આ મામલે PMLA કોર્ટનું વલણ અપનાવી શકે છે.
નીરવ મોદીના બહેન-બનેવી મયંક મહેતા અને પૂર્વી મોદીના નામના એકાઉન્ટમાં 44.41 કરોડ રૂપિયા છે. કોર્ટે ઇડીના અનુરોધના બાદ આ આદેશ આપ્યો કે જેમાં જણાવાયું હતું કે આ ખાતામાં જમા થયેલી રકમ ગુનો આચરીને એકત્રિત કરાયેલી છે. આ ખાતામાં પીએનબી કૌભાંડની રકમને ગેરકાયદે ટ્રાન્સફર કરવામાં આવી છે. મહત્વનું છે કે સ્વિત્ઝર્લેન્ડના અધિકારીઓએ 27 જૂનના રોજ નીરવ અને તેની બહેનના 4 સ્વિસ એકાઉન્ટની લેવડદેવડ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ભારતમાં નીરવ મોદી વિરૂદ્ધ ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસ મામલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ડીઆરટીની એપ્લિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, બીજી ઘણી બેંકો સહિત પીએનબીના 4 એકાઉન્ટ્સમાં તેમની એસેટ્સની કિંમત 36 લાખ રૂપિયા દર્શાવવામાં આવી છે. જેમાંથી બે એકાઉન્ટ્સમાં માત્ર 5 હજાર અને 9 હજાર રૂપિયા જ જમા છે. તો રોકડની વાત કરીએ તો માત્ર 8 લાખ રૂપિયા છે, પરંતુ ANM એન્ટરપ્રાઈસ અને FIPLમાં 2815 કરોડ રૂપિયાનું રોકાણ દર્શાવવામાં આવ્યું છે.