મોદી સરકારના આ નિર્ણયથી TCS, વિપ્રો જેવી 100 કંપનીઓએ શેર વેચવા પડશે!

નવી દિલ્હી– બજેટમાં મોદી સરકારે કરેલી એક જોગવાઈને કારણે ટાટા કન્સલટન્સી સર્વિસિઝ લિમિટેડ, હિન્દુસ્તાન યૂનિલિવર લિમિટેડ સહિત ઓછોમાં ઓછી 100 ભારતીય કંપનીઓએ અબજો ડોલરના શેર વેચવા પડી શકે છે. હકીકતમાં સરકારે બજેટમાં કંપનીઓ દ્વારા તેમના શેરોમાં પબ્લિક હોલ્ડિંગ વધારવાની જોગવાઈ કરી છે.

નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું કે, કંપનીઓને તેમના શેરમાં પબ્લિક ભાગીદારી વર્તમાનમાં 25 ટકાથી વધારીને ઓછામાં ઓછી 35 ટકા કરવી જોઈએ. સરકારે માર્કેટ રેગ્યુલેટરી બોડીને આ પ્રસ્તાવ પર વિચાર કરવા કહ્યું છે. સરકારના આ નિર્ણયને કારણે કંપનીઓને અંદાજે 3.9 લાખ કરોડ રૂપિયાના શેર વેચવા પડે તેવી શક્યતા છે.

મહત્વનું છે કે, અગાઉ પણ સરકારે કંપનીઓને માર્કેટમાં લિક્વિડિટી વધારવા માટે શેર હોલ્ડિંગ ઘટાડવા માટે કહ્યું છે. જૂન 2010માં માર્કેટ રેગ્યુલેટરી બોડીએ કંપનીઓને ત્રણ વર્ષનો સમય આપ્યો હતો અને શેર હોલ્ડિંગ વધારીને 25 ટકા સુનિશ્ચિત કરવા કહ્યું હતું.

હાલના તબક્કે મોટી કંપનીઓમાં પ્રમોટર્સના શેર હોલ્ડિંગની વાત કરીએ તો, આ આંકડો ટાટા કન્સલટન્સી સર્વિસિઝમાં 72.05 ટકા, વિપ્રોમાં 73.85 ટકા, એવેન્યૂ સુપરમાર્ટ્સમાં 81.02 ટકા જ્યારે કોલ ઈન્ડિયામાં 70.96 ટકા છે.

માર્કેટ નિષ્ણાતોનું માનવું છે કે, જો આવું થશે તો અત્યાર સુધીમાં ઉચ્ચતમ સ્તર પર ટ્રેડ કરી રહેલા શેર બજારમાં સપ્લાઈ ઓવરહેંગની સ્થિતિ પેદા થઈ શકે છે. અને અન્ય એક સાઈડ ઈફેક્ટ એ પણ થશે કે, મલ્ટીનેશનલ કંપનીઓના ઘરેલુ એકમો શેર બજારથી દૂર ભાગશે.