ગોએર 19 જુલાઈથી બેંગકોક, દુબઈ, કુવૈત માટે પણ વિમાનસેવા શરૂ કરશે

મુંબઈ – સસ્તા દરે વિમાન પ્રવાસ કરાવતી ગોએર કંપનીએ આજે જાહેરાત કરી છે કે તે ત્રણ નવા શહેર સહિત નવા સાત આંતરરાષ્ટ્રીય રૂટ પર વિમાન સેવા શરૂ કરશે.

પોતાની દરિયાપાર વિસ્તરણ યોજનાનાં ભાગરૂપે ગોએર આવતી 19 જુલાઈથી બેંગકોક, દુબઈ અને કુવૈત માટે વિમાન સેવા શરૂ કરી રહી છે.

નવા રૂટ પરની સેવા ભારતની રેગ્યૂલેટરી એજન્સી તરફથી મંજૂરીને આધીન છે, એમ ગોએર કંપનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

ગોએર સાત નવા આંતરરાષ્ટ્રીય રૂટ પર મુંબઈ, નવી દિલ્હી અને કાનપુરથી અબુ ધાબી, દુબઈ, મસ્કત, બેંગકોક માટેની દૈનિક ફ્લાઈટ્સ શરૂ કરી રહી છે. ગો-એર માટે આ નવી માર્કેટ્સ છે.

ગોએર હાલ કાનપુરથી અબુ ધાબી અને મસ્કત તેમજ મુંબઈ, દિલ્હી તથા બેંગલુરુમાંથી ફુકેત (થાઈલેન્ડ) માટે ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. માલદીવ માટેની વિમાન સેવા હાલપૂરતી અટકાવી દેવાઈ છે.

ગોએરનાં મેનેજિંગ ડાયરેક્ટર અને કાર્યવાહક ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર જેહ વાડિયાએ કહ્યું છે કે નવી સૂચિત ફ્લાઈટ્સથી મધ્ય પૂર્વ તથા દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં ગો-એરની હાજરી મજબૂત બનશે.

આ વખતે ગોએર કુવૈત, દુબઈ અને બેંગકોક જેવા નવા શહેરો માટે વિમાન સેવા શરૂ કરી રહી છે અને નજીકના ભવિષ્યમાં આ પ્રકારનું વિસ્તરણ ચાલુ રાખવાની અમારી અપેક્ષા છે.

વાડિયા ગ્રુપ દ્વારા પ્રમોટ કરવામાં આવેલી ગોએર નોન-લિસ્ટેટ એરલાઈન છે. તે ભારતમાં મુંબઈ, અમદાવાદ, બાગડોગરા, બેંગલુરુ, ભૂવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગોવા, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કોચી, કોલકાતા, કાણનુર, લેહ, લખનઉ, નાગપુર, પટના, પોર્ટ બ્લેર, પુણે, રાંચી, શ્રીનગર માટે પણ વિમાન સેવા ધરાવે છે.

ગોએર મુંબઈથી અબુધાબીની ડાયરેક્ટ ડેઈલી ફ્લાઈટ પણ 19 જુલાઈથી શરૂ કરી રહી છે. એનું પ્રારંભિક ઓફરવાળું ભાડું છે રૂ. 8,299.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]