કાર્યવાહક નાણાં પ્રધાન પીયૂષ ગોયલે ભાજપ-એનડીએ સરકારનું આખરી કેન્દ્રીય બજેટ-2019, જે વચગાળાનું હતું, તે આજે અહીં સંસદમાં રજૂ કરી દીધું છે. બજેટમાં આવકવેરાની મુક્તિમર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયા કરાતાં નાના વેપારીઓ અને પગારદાર નોકરિયાતો ખુશ છે, કારણ કે આનાથી એમને મોટી રાહત મળી છે. એવી જ રીતે, દેશનાં કિસાનો પણ ખુશ છે, કારણ કે એમને હવે દર વર્ષે ખેતીવાડી માટે રૂ. 6000ની મદદ મળશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત બે હેક્ટરથી ઓછી જમીન ધરાવનાર ખેડૂતોને કૃષિ કામકાજ માટે સરકાર તરફથી વાર્ષિક રૂ. 6000ની આર્થિક મદદ મળશે.
લોકસભામાં પોતાના બજેટ ભાષણમાં ગોયલે કહ્યું કે અગાઉની સરકારોની તુલનામાં મોદી સરકારના શાસનમાં મોંઘવારી ઘટી છે. આ બજેટ ચૂંટણીલક્ષી બજેટ બની રહ્યું છે, જેમાં અત્યાર સુધીનાં સૌથી મોટાં પગલાં પગારદાર વર્ગ માટે ભરવામાં આવ્યાં છે. સરકારને 10 વર્ષ માટે ચૂંટી કાઢવાનું આને પરોક્ષ ઈજન કહી શકાય.
જો સાકાર થાય તો પ્રજાને બખ્ખાં, પણ આગામી એક વર્ષ માટેની જોગવાઈઓની બારીકીપૂર્વક સમીક્ષા કરવાની જરૂર. લાભ અપાયા, પણ તેના માટેનાં નાણાં ક્યાંથી આવશે એ સ્પષ્ટ થશે તો જ આ લાભ વાસ્તવિક બની શકશે.
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચેરપર્સન અરુંધતી ભટ્ટાચાર્યે ટીવી ચેનલને જણાવ્યા મુજબ લોકોના હાથમાં પૈસા રહેશે તો તેઓ ખરીદી કરશે. આ દેશ 1.3 અબજ ગ્રાહકોનો દેશ છે. જો તેઓ ખરીદી કરે તો જ તેને ગ્રાહકોનો દેશ કહેવાય. સરકારે જાહેર કરેલી પગારદાર વર્ગ માટેની જોગવાઈઓ માટેનાં નાણાં ક્યાંથી આવશે એ જોવું રહ્યું. એકંદરે આ બજેટ વિકાસલક્ષી છે.
ખેડૂતો અને મધ્યમ વર્ગની પાસે ખર્ચ કરવા માટે વધુ નાણાં બચશે તેથી બજારમાં ખરીદી વધી શકે છે. તેને પગલે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, ઈલેક્ટ્રોનિક્સ, ઑટો, રિયલ એસ્ટેટ ક્ષેત્રને લાભ થવાની શક્યતા.
ગોયલે આજે રજૂ કરેલું બજેટ મે મહિનામાં નિર્ધારિત લોકસભા ચૂંટણી પૂર્વે મોદી સરકારનું આ છઠ્ઠું અને આખરી બજેટ હતું.
બજેટ પૂર્વે રીયલ એસ્ટેટ, ઓટોમોબાઈલ, હેલ્થકેર, શિક્ષણ, તથા અન્ય સ્ટાર્ટ-અપ્સ બજારોમાં ઉત્સાહનું વાતાવરણ હતું.
સવારે, પીયૂષ ગોયલ નાણાં મંત્રાલય પહોંચ્યા હતા. ત્યાંથી રાષ્ટ્રપતિ ભવન ગયા હતા અને બજેટ સંસદમાં રજૂ કરવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે મંજૂરી મેળવી હતી. ત્યાંથી ગોયલ સંસદભવન ગયા હતા.
કેન્દ્રીય વચગાળાનાં બજેટ-2019ની હાઈલાઈટ્સઃ
પીયૂષ ગોયલે આમ કહીને એમના બજેટ ભાષણનું સમાપન કર્યુંઃ ‘નિયત સાફ, નીતિ સ્પષ્ટ, નિષ્ઠા અટલ છે એવું નેતૃત્વ આપ્યું છે. એક પાવ રખતા હૂં, હઝાર રાહેં ફૂટ પડતી હૈ.’
6.5 લાખ રૂપિયા સુધીની આવકવાળાએ હવે કરવેરો ભરવો નહીં પડે, કારણ કે 1.5 લાખ સુધીની રોકાણની કરરાહત મળે છે.
પગારદાર માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન 40,000થી વધારીને 50,000 કરોડ રૂપિયા કરાયું.
18,500 કરોડ રૂપિયાનો લાભ. 3 કરોડ મધ્યમ વર્ગીયોને લાભ. નોકરિયાતો, નાના વેપારીઓ, પેન્શનર્સ, વગેરેને થશે ફાયદો
ભાડા માટેની ટીડીએસની મર્યાદા 1.8 લાખથી વધારીને 2.4 લાખ કરવામાં આવી
મોદી સરકારે ટેક્સ ઘટાડ્યોઃ સ્ટાન્ડર્ડ ડિડક્શન 40 હજારથી વધારીને 50 હજાર કરવામાં આવ્યું છે
નાણાપ્રધાન પીયૂષ ગોયલે મોડે-મોડે સસ્પેન્સ ખોલ્યું – વ્યક્તિગત કરદાતા માટેની કરમુક્તિની મર્યાદા 5 લાખ રૂપિયા કરાઈ
પાંચ લાખ સુધીની આવક પર હવે કોઈ વેરો ભરવો નહીં પડે.
પગારદાર લોકો માટે રાહત. આવકવેરાની મુક્તિ મર્યાદા વધારીને પાંચ લાખ સુધી કરાઈ.
નાણાકીય વર્ષ 2019-20 માટેનું રાજકોષીય ખાધનું લક્ષ્ય – કુલ રાષ્ટ્રીય પેદાશના 3.4 ટકા
આવતા 8 વર્ષમાં દેશનું અર્થતંત્ર 10 ટ્રિલિયન ડોલરનું બનાવી શકવાની સરકારને આશા છે
2030 માટે સરકારનાં દ્રષ્ટિકોણનો મહત્ત્વનો હિસ્સો બનશે ઈલેક્ટ્રિક વાહનોઃ પીયૂષ ગોયલ
દેશનાં ગામડાઓને ડિજિટલ ગામડાઓમાં કન્વર્ટ કરવામાં આવશે. પાંચ વર્ષમાં પાંચ લાખ ડિજિટલ ગામડાનું નિર્માણ કરવાનો સરકારનો ટાર્ગેટ છે.
મધ્યમ વર્ગ માટે કરવેરાનાં અનેક પગલાં અત્યાર સુધી ભરાયાં છે.
આયાત-નિકાસના તમામ વ્યવહારોનું ડિજિટાઇઝેશન કરવામાં આવશે.
દૈનિક વપરાશની મોટા ભાગની ચીજવસ્તુઓને હવે 0-5 ટકાના સ્લેબમાં મૂકી દેવામાં આવી છે. જેથી જીએસટી મધ્યમ વર્ગનાં લોકો માટે લાભદાયી થયો છે.
તમામ રિટર્નનું પ્રોસેસિંગ 24 કલાકની અંદર કરવામાં આવશે અને તત્કાળ રિફંડ કરવામાં આવશે
ભારતીય ફિલ્મ નિર્માતાઓને સુવિધાની જાહેરાત. હવેથી ફિલ્મોનાં શૂટિંગ માટે સિંગલ વિન્ડો ક્લીયરન્સ.
ડાયરેક્ટ ટેક્સ વસૂલી 2013-14માં 6.38 લાખ કરોડ રૂપિયા હતી, તે હવે વધીને 12 લાખ કરોડ રૂપિયા થઈ છે
ટેક્સ બેઝનો વ્યાપ 3.79 કરોડથી વધારીને 6.85 કરોડ થયો છે.
કરવેરાની આવક 12 લાખ કરોડ રૂપિયા થઈ.
ભારત વિશ્વમાં હાઇવેઝનું સૌથી વધુ ઝડપી ડેવલપર બન્યું છેઃ પીયૂષ ગોયલ
આગામી પાંચ વર્ષમાં એક લાખ ડિજિટલ ગામ બનાવવામાં આવશે.
ભારત વિશ્વમાં સૌથી વધુ તેજસ્વી દેશ બન્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં કુલ રાષ્ટ્રીય પેદાશનો વૃદ્ધિદર સૌથી વધુ રહ્યો છેઃ નાણાપ્રધાન
ભારતીય રેલવે માટે 64,587 કરોડ રૂપિયાના મૂડીગત ખર્ચની જોગવાઈ કરાઈ.
ભારતીય રેલવેના બ્રોડગેજ સેક્શનમાં હવે કોઈ રેલવે ક્રોસિંગ મનુષ્યરહિત રહ્યું નથી.
અસંગઠિત ક્પ્રષેત્ધારના કામદારો માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના જાહેર. તેમાં દર મહિને 3,000 રૂપિયાના નિશ્ચિત પેન્શનની જાહેરાત. તેમાં દર મહિને 100 રૂપિયાનો હપ્તો ભરવાનો રહેશે.
મુદ્રા યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. 7.23 લાખ કરોડની લોન આપવામાં આવી છે. 70 ટકાથી વધુ લાભાર્થી મહિલાઓ છે.
સંરક્ષણ ક્ષેત્ર માટેનું બજેટ 3 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું. જરૂર પડ્યે બજેટમાં વધારો કરવામાં આવશેઃ નાણાપ્રધાન
માસિક 15,000 કરતાં ઓછી આવકવાળાઓ માટે છે નવી પેન્શન યોજના
ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ નિઃ શુલ્ક એલપીજી કનેક્શન આપવાની નાણાપ્રધાનની જાહેરાત
મેગા પેન્શન યોજના જાહેર કરાઈ. તેના હેઠળ 500 કરોડ રૂપિયા ફાળવાશે.
ન્યૂ પેન્શન સ્કીમ યોજનાને વધુ ઉદાર બનાવાઈ. સરકારનું યોગદાન 10 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવ્યું.
આયુષ્માન ભારત યોજનાને લીધે ગરીબ પરિવારોની 3,000 કરોડ રૂપિયાની બચત થઈ છે.
ગ્રેચ્યુઈટી પેમેન્ટની લિમિટ રૂ. 10 લાખથી વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી છે.
નવી પેન્શન યોજનાઃ કર્મચારીનું યોગદાન 10 ટકા, સરકારનું યોગદાન 10 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવ્યું છે
ગ્રેચ્યુઇટીની ચૂકવણીની મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી. આમ, નોકરિયાતોને મોટી રાહત અપાઈ. જેની નોકરી વધારે હશે તેમને વધુ લાભ મળશે.
લોનની સંપૂર્ણ મુદત માટે 2 ટકાનું અને સમયસર લોન ચૂકવનારને 3 ટકાનું ઇન્ટરેસ્ટ સબવેન્શન આપવામાં આવશે.
ગંભીર કુદરતી આફતોના પીડિત ખેડૂતોને વ્યાજની ચૂકવણીમાં રાહત આપવાની જાહેરાત
ખેડૂતો માટેની યોજના હેઠળ વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવશે.
મત્સ્યઉછેર માટે અલગ ખાતું સ્થપાશે
ગૌમાતા માટે સરકાર ક્યારેય પાછી નહીં પડે. તેના રક્ષણ માટે જે કરવું પડશે એ બધું જ કરશે.
રાષ્ટ્રીય કામધેનૂ આયોગ સ્થપાશે
સરકાર દરેક ઘરમાં વીજળી પૂરવઠો પૂરો પડવા પ્રતિબદ્ધ છે. LED સુવિધાથી આવતા પાંચેક વર્ષમાં વીજળીના બિલ્સમાં રૂ. 50 હજાર કરોડની બચત થઈ શકશે.
બે હેક્ટર કરતાં નાની જમીન ધરાવતા ખેડૂતોના ખાતામાં નાણાં સીધાં જમા કરવામાં આવશે. 12 કરોડ ખેડૂત પરિવારોને તેનાથી સીધો લાભ મળશે. 1 ડિસેમ્બર, 2018થી જ આ યોજના જાહેર કરાશે. 2,000 રૂપિયાનો પહેલો હપ્તો ખેડૂતોનાં ખાતામાં જમા કરવામાં આવશે. 75,000 કરોડ રૂપિયાનો વાર્ષિક ખર્ચ આવશે, જે સરકાર ભોગવશે.
પહેલાં નાના બિઝનેસમેનો પાસેથી લોનની રિકવરી પર જોર આપવામાં આવતું હતું. હવે મોટા બિઝનેસમેનો પાસેથી પણ રિકવરી કરવામાં આવી રહી છે.
બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર અને ઓરિયેન્ટલ બૅન્ક ઑફ કોમર્સને પ્રોમ્પ્ટ કરેક્ટિવ ઍક્શનમાંથી બહાર કાઢવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ બૅન્કોને સુધારણાના આ પગલામાંથી બહાર કાઢીને બૅન્કિંગના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટેની ફાળવણી રૂ. 19,000 કરોડ નક્કી કરવામાં આવી છે.
IBC મારફત બેન્કોએ રૂ. 3 લાખ કરોડની રકમ પાછી મેળવી. હવે મોટા ઉદ્યોગપતિઓએ પણ લોન-ધિરાણ પરત કરવી પડશે: પીયૂષ ગોયલ
2018-19માં નવી નાણાકીય ખાધનો લક્ષ્યાંક 3.4 ટકા
અમે સરેરાશ ફૂગાવાનો દર 4.6 ટકા સુધી ઘટાડી બતાવ્યો છે. જો અમે ફૂગાવો અંકુશમાં લાવ્યો ન હોત તો મૂળભૂત સુવિધાઓ માટે આપણા દેશનાં પરિવારોનો ખર્ચ 35-40 ટકા વધી ગયો હોત: પીયૂષ ગોયલ
ભારતના વિકાસની ગાડી પાટા પર દોડી રહી છેઃ પીયૂષ ગોયલ
નાણાં પ્રધાન પીયૂષ ગોયલે લોકસભામાં એમનું બજેટ ભાષણ શરૂ કરી દીધું છે.
વડા પ્રધાન મોદીની આગેવાની હેઠળના કેન્દ્રીય પ્રધાનમંડળે વચગાળાના બજેટને મંજૂરી આપી દીધી છે.
પીયૂષ ગોયલ આજે રેલવે બજેટ માટેનુું પણ ભાષણ કરશે. 2022-23માં ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે શરૂ થવાની ધારણા છે.