નવી દિલ્હીઃ કબૂતર એક સામાન્ય પક્ષી છે. આપણી આસપાસના રોડરસ્તા અને બાગ બગીચામાં સામાન્ય રીતે આપણને કબૂતર રોજ દેખાય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે એક કબૂતર એવું પણ છે કે જે કોઈ સામાન્ય કબૂતર નથી પરંતુ એક ખાસ કબૂતર છે. અને આ ખાસ કબૂતરની કીમત છે 9.7 કરોડ રુપિયા. કબૂતરની આટલી અધધધ… કીંમત જાણીને ચોક્કસ આશ્ચર્ય થયું હશે. પરંતુ આપને નીચે આપેલી તસવીરમાં જે કબૂતર દેખાઈ રહ્યું છે તે કબૂતરને ચાઈનાના એક વ્યક્તિએ 1.4 મિલિયન ડોલર એટલે કે 9.7 કરોડમાં ખરીદ્યું છે.
આ કબૂતરનું નામ છે અરમાંડો. આ બેલ્જિયમનું કબૂતર છે જે લાંબી રેસ માટે ખૂબ જાણીતું છે. અરમાંડો એકમાત્ર લોન્ગ-ડિસ્ટન્સ રેસિંગ પીજન છે, જે કબૂતરોના લુઈસ હેમિલ્ટનના નામથી પ્રત્યાત છે.
આ જ કારણે નીલામીમાં આ કબૂતર સૌથી મોંઘુ વેચાયું અને દુનિયાનું સૌથી મોંઘુ પક્ષી પણ બની ગયું. આ કબૂતર અત્યારે 5 વર્ષનું છે અને તે લગભગ રિટાયરમેન્ટની નજીક છે અને આમ છતા પણ ચીનના એક વ્યક્તિએ 1.4 મિલિયન ડોલરમાં આને ખરીદ્યું છે.
જો કે કબૂતરોની આ નીલામીમાં અરમાંડો જ નહી પરંતુ કુલ 178 જેટલા કબૂતરો વેચવામાં આવ્યા. અરમાંડોના 7 બચ્ચાં પણ આમાં શામેલ હતા. આપને જણાવી દઈએ કે લુઈસ હૈમિલ્ટન ફોર્મ્યુલા વન કાર રેસિંગના વર્લ્ડ ચેમ્પિયન છે, તેઓ 5 વાર આ રેસ જીતી ચૂક્યાં છે.