નવી દિલ્હી- ભારતીય સાયબર સ્પેસમાં આજકાલ ઈન્કમટેક્સ વિભાગના નામનો ઉપયોગ કરનારા એક કમ્પ્યૂટર વાયરસની જાણકારી મળી છે. આ વાયરસ આવકવેરા વિભાગના નામથી કરદાતાઓને બોગસ ઈ-મેલ મોકલની તેમની પાસેથી ગુપ્ત માહિતી ચોરવાનું કામ કરે છે. હવે આને લઈને સરકારી સાયબર સુરક્ષા એજન્સીએ કરદાતાઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં એજન્સીએ કહ્યું કે, કેટલાક કરદાતાઓને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના નામે નકલી ઈ-મેલ મળી રહ્યા છે, જે એક વાયરસ છે અને લોકોની ખાનગી ડેટા ચોરી કરે છે.
ઈન્ડિયન કોમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-in) એડવાઈઝરીમાં કહ્યું કે, અંદાજે 12 સપ્ટેમ્બરથી ફિશિંગ અને માલવેર કેમ્પેઈન સક્રિય છે. જે નાણાકીય સંગઠનો અને કરદાતાઓને ટાર્ગેટ બનાવે છે. આ કેમ્પેઈનમાં નકલી ઈ-મેલ મોકલવામાં આવી રહ્યા છે, જે આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવતા ઈ-મેલને મળતો જ આવે છે.
હકીકતમાં લોકો આઈટીઆર ભરવા અને રિફન્ડ ક્લેમ કરવા જેવા કામોને ખુબજ ગંભીરતાથી લેતા હોય છે. આ જ કારણ છે કે, હેકર્સ વાયરસ માટે ઈન્કમ ટેક્સ વિભાગના નામનો ઉપયોગ કરી રહ્યાં છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ઈન્કમ ટેક્સ અને બેંક સંબંધિત નકલી ઈ-મેલ અંગે લોકોને સાવચેત રહેવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે, આવકવેરા વિભાગ લોકોને આવી બાબતો સામે જાગૃત રાખવા માટે સમયાંતરે ઝૂંબેશ ચલાવે છે.
આ એડવાઈઝરીમાં બે પ્રકારના નકલી ઈ-મેલ અંગે જણાવવામાં આવ્યું છે. પ્રથમ ઈ-મેલમાં .img અથવાતો .pif ફાઈલ અટેચ હોય છે. તો બીજા પ્રકારના ઈ-મેલમાં લોકોને.pif ફાઈલ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે છે. જેમાં incometaxindia.info વેબસાઈટ પર જવાનું કહેવામાં આવે છે. એડવાઈઝરીમાં જણાવાયું છે કે, આ વેબસાઈટ હવે બંધ કરી દેવામાં આવી છે. સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે કે, આ પ્રકારના શંકાસ્પદ ઈ-મેલમાં આપેલી કોઈ પણ ફાઈલ કે લિન્ક ખોલવી ન જોઈએ.