નવી દિલ્હી- મંદ પડેલી અર્થવ્યવસ્થાને રફતાર આપવા માટે મોદી સરકાર છેલ્લા થોડા સમયથી સતત પ્રયત્નો કરી રહી છે. તાજેતરમાં જ સરકારે કોર્પોરેટ ટેક્સ દરમાં ઘટાડો કરીને ભારતીય ઉદ્યોગોને મોટી રાહત આપી છે. આ નિર્ણયના ચોતરફ વખાણ પણ થયા. હવે એવી ખબર આવી રહી છે કે, સરકાર પર્સનલ ઈનકમ ટેક્સ રેટ્સમાં પણ ફેરફાર કરી શકે છે. જેનો ધ્યેય વેચાણને પ્રોત્સાહન આપીને ગ્રોથને રફતાર આપવાનો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અધિકારી પુરાતન ઈનકમ ટેક્સ કાયદાને સરળ કરવા અને ટેક્સ દરોને તર્કસંગત બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે. ડાયરેક્ટ ટેક્સ કોડ (DTC) માટે બનેલ ટાસ્ક ફોર્સની ભલામણોને ધ્યાનમાં રાખતા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેને 19 ઓગસ્ટના રોજ દાખલ કરવામાં આવ્યો. એની પાછળનું લક્ષ્ય એવું છે કે, વધુમાં વધુ લોકો ટેક્સ કાયદાનું પાલન કરે, ટેક્સ બેઝ વધે અને કરદાતાઓનું જીવન સરળ બને.
રિપોર્ટ મુજબ, આ નિર્ણયથી સરકારી તિજોરી પર કેટલો બોજો પડશે એ વાતને ધ્યાનમાં રાખતા જૂદા જૂદા વિકલ્પો અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે, પ્રયાસ એવો છે કે, દરેક ટેક્સદાતાને ઓછામાં ઓછો 5 ટકા પોઈન્ટનો ફાયદો મળે.
જે વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, તેમાં એક તો એ છે કે, 5 લાખથી 10 લાખ રૂપિયા વચ્ચે ટેક્સ સ્લેબ આવક ધરાવતા લોકો માટે 10નો સ્લેબ લાવવામાં આવે. વર્તમાનમાં આટલી આવક ધરાવતા વર્ગ માટે 20 ટકાનો ટેક્સ સ્લેબ છે. આ ઉપરાંત જે અન્ય વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે તેમાં સેસ અથવા સરચાર્જને દૂર કરવો અથવા અન્ય પ્રકારે ટેક્સ છૂટ આપવાનું પણ સામેલ છે. તેમજ સૌથી મોટો ટેક્સ સ્લેબ 30 ટકાને ઘટાડીને 25 ટકા કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.