નવી દિલ્હીઃ RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેન્કને મોટી રાહત આપતાં એને કામગીરી બંધ કરવા માટે વધુ સમય આપ્યો છે. પેટીએમ લોકપ્રિય પ્રોડક્ટ્સને ચાલુ રાખવા માટે અને હાલના સંકટથી બચવા માટે એક નવો બેન્કિંગ પાર્ટનર મળી ગયો છે, એમ અહેવાલ કહે છે. રિઝર્વ બેન્કે જાન્યુઆરીમાં વન97 કોમ્યુનિકેશન્સની સહયોગી પેટીએમ પેમેન્ટ્સ બેન્કને આદેશ આપ્યો હતો કે કંપની 29 ફેબ્રુઆરીથી પોતાનાં ખાતાઓ અથવા વોલેટમાં કોઈ પણ નવી જમા રકમ ના લે. RBIએ શુક્રવારે કહ્યું હતું કે હવે આ સમયમર્યાદાને 15 માર્ચ સુધી વધારી દીધી છે.
પેટીએમે એક પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે કંપનીએ પહેલાંની જેમ વગર અવરોધે બિઝનેસ સેટલમેન્ટ જારી રાખવા માટે પોતાના નોડલ ખાતાં એક્સિસ બેન્કમાં ટ્રાન્સફર કરી દીધાં છે. કંપનીએ કહ્યું હતું કે પેટીએમ QR કોડ, સાઉન્ડબોક્સ અને કાર્ડ મશીનો 15 માર્ચ પછી પહેલાંની જેમ કામ કરતી રહેશે.જેથી હવે જો તમારું એકાઉન્ટ Paytm પેમેન્ટ્સ બેંકમાં છે તમે કોઈ પણ અવરોધ વિના ફંડ ટ્રાન્સફર કરી શકો છો. તમે તમારા ડેબિટ કાર્ડનો ઉપયોગ ઉપલબ્ધ બેલેન્સ સુધી ભંડોળ ઉપાડવા અથવા ટ્રાન્સફર કરવા માટે કરી શકો છો.
જોકે RBIના જણાવ્યાનુસાર તમે 15 માર્ચ પછી કોઈ પણ પ્રકારની ક્રેડિટ અથવા ડિપોઝિટ કરી શકશો નહીં. ભાગીદાર બેંકો તરફથી વ્યાજ, રિફંડ, કેશબેક, સ્વીપ-ઇનની મંજૂરી આપવામાં આવશે. ખાતા સંબંધિત બિલની ચુકવણીઓ, OTT સબસ્ક્રિપ્શન સહિતની અન્ય ચુકવણીઓ ઉપલબ્ધ બેલેન્સ ખતમ ન થાય ત્યાં સુધી જ કરી શકાય છે. આ સિવાય ખાતા દ્વારા EMI ચુકવણી 15 માર્ચ પહેલાં અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવી જોઈએ.