નવી દિલ્હીઃ બેન્ક ગ્રાહકોનાં હિતોની સુરક્ષા કરવા માટે બેન્કિંગ રેગ્યુલેશન બિલને લોકસભા પછી રાજ્યસભામાં પણ મંજૂરી મળી ગઈ છે. આ નવા કાનૂન હેઠળ દેશની સહકારી બેન્કો ભારતીય રિઝર્વ બેન્કની દેખરેખ હેઠળ આવી જશે અને તેના દાયરા હેઠળ કામ કરશે. એનાથી સહકારી બેન્કોમાં લોકોએ જમા કરાવેલા નાણાંની પણ સુરક્ષા કરી શકાશે. દેશમાં સહકારી બેન્કોની સતત કથળતી નાણાકીય સ્થિતિ અને છેતરપિંડીના મામલા સામે આવ્યા પછી કેન્દ્ર સરકારે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949માં સંશોધનનો નિર્ણય લીધો હતો.
હવે શું થશે?
આ પહેલાં કેન્દ્ર સરકારે સહકારી બેન્કોને રિઝર્વ બેન્કની હેઠળ લાવવા માટે જૂનમાં એક વટહુકમ જારી કરવામાં આવ્યો હતો. હવે નવો કાયદો આ વટહુકમની જગ્યા લેશે. હવે દેશની 1482 અર્બન અને 58 મલ્ટિસ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક RBI હેઠળ આવશે. આ એક્ટ દ્વારા RBIની પાસે એ સત્તા હશે કે એ કોઈ પણ બેન્કના પુનર્ગઠન અથવા વિલીનીકરણનો નિર્ણય લઈ શકે.
એના માટે એને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સના મોરાટોરિયમમાં રાખવાની જરૂર નહીં હોય. આ સિવાય RBI જો બેન્ક પર મોરાટોરિયમ લાગુ કરશે તો પછી કો-ઓપરેટિવ બેન્ક કોઈ લોન જારી નહીં કરી શકે અને ના તો જમા રહેલી મૂડીનું કોઈ મૂડીરોકાણ કરી શકશે.
જમાકર્તાઓનાં હિતોનું રક્ષણ કરવા માટે બેન્ક કોઈ પણ મલ્ટિસ્ટેટ કો-ઓપરેટિવ બેન્કના ડિરેક્ટર બોર્ડને ભંગ કરી શકશ અને મેનેજમેન્ટ પોતાના હાથોમાં લઈ શકશે. એટલું જ નહીં, RBI જો ઇચ્છે તો આ બેન્કોના આ નિયમથી અલગ કેટલીક રાહત નોટિફિકેશન દ્વારા કરી શકે છે. આ રાહત નોકરીઓ, બોર્ડ ડિરેક્ટરોની યોગ્યતાના નિયમ અને ચેરમેનની નિયુક્તિ જેવા મામલામાં પણ આપી શકશે.
ડિપોઝિટર્સની પાંચ લાખ રૂપિયાની રકમ સુરક્ષિત
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949માં સંશોધનનો નિર્ણય ગ્રાહકોનાં હિતમાં છે. જો કોઈ બેન્ક ડિફોલ્ટ કરે તો બેન્કમાં જમા રહેલી પાંચ લાખ રૂપિયાની રકમ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. નાણાપ્રધાને એક ફેબ્રુઆરી, 2020એ રજૂ થયેલા બજેટમાં જ એને એક લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા સુધી કરવામાં આવી હતી.
હવે જો કોઈ બેન્ક ડૂબી જાય અથવા તો નાદાર થઈ જાય તો એના ડિપોઝિટર્સને મહત્તમ પાંચ લાખ રૂપિયા મળશે, પછી ભલે એના ખાતામાં કેટલી પણ રકમ જમા હોય. RBIની સબસિડિયરી ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (DICGC)ના જણાવ્યા મુજબ વીમાનો અર્થ જમા રકમ કેટલી પણ હોય, પણ ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા મળશે.
બેન્ક નાદાર થતાં DICGC ડિપોઝિટર્સને ચુકવણી કરશે
DICGC એક્ટ હેઠળ, 1961ની કલમ 16 (1)ની જોગવાઈ હેઠળ જો કોઈ બેન્ક ડૂબી જાય અથવા નાદાર થઈ જાય તો કોર્પોરેશન દરેક જમાકર્તાઓને ચુકવણી કરવા માટે જવાબદાર છે. એની જમા રકમ પર પાંચ લાખ રૂપિયા સુધીનો વીમો હોય છે. તમારાં એક બેન્કની અનેક શાખાઓમાં ખાતાં હશે તો બધાં ખાતાંઓમાં જમા નાણાં અને વ્યાજને જોડવામાં આવશે.
ત્યાર બાદ માત્ર પાંચ લાખ રૂપિયા સુધીની જમા રકમને સુરક્ષિત માનવામાં આવશે. કોઈ પણ બેન્કમાં એકથી વધુ એકાઉન્ટ અને FD છે તો બેન્કના નાદાર થવા કે ડૂબ્યા પછી પાંચ લાખ રૂપિયા જ મળવાની ગેરન્ટી છે.
