નવી દિલ્હીઃ નોટબંધીના એક વર્ષ પહેલા બ્લેકમનીને લઈને પેરેડાઈઝ પેપર્સની વિગતોએ ભારતમાં જ નહી પરંતુ વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. સેબી પણ પેરાડાઈઝ પેપરથી બહાર આવેલ માહિતી પરથી એક્શન લેવાની તૈયારીમાં છે. સેબી અલગ અલગ કંપનીઓ અને તેના પ્રવર્તકો દ્વારા કથિત નાણાંની હેરાફેરી અને કંપની સંચાલનની ખામીની તપાસ કરશે. આમાં વિજય માલ્યા સાથે જોડાયેલા પ્રમોટરોનો પણ સમાવેશ થાય છે.
પેરેડાઈઝ પેપરમાં વિજય માલ્યાના નામનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર માલ્યા સાથે જોડાયેલા કેટલાક એકમોની તપાસ પહેલાથી સેબી અને અન્ય એજન્સીઓ કરી રહી છે. જો હવે ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈંવેસ્ટિગેટિવ જર્નલિસ્ટ્સ દ્વારા સાર્વજનિક કરવામાં આવેલા દસ્તાવેજમાં કોઈ નવો ખુલાસો કરવામાં આવશે તો તેના પર વિસ્તારથી તપાસ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે દસ્તાવેજમાં જો અમારી યાદીમાં રહેલી કંપનીઓ અને તેમના સાથે જોડાયેલા તેમના પ્રવર્તકો અંગે ખુલાસો કરવામાં આવે તો તે જોવામાં આવશે કે કંપની સંચાલન અથવા તો ખુલાસા નિયમો અથવા તો નાણાંની હેરાફેરી સહિત કોઈ અનિયમિતતા તો નથી કરવામાં આવી ને ? આ સંદર્ભે વિસ્તૃત તપાસ કરીને થયેલી ગડબડ વિશે તપાસ કરવામાં આવશે.
શું છે પેરાડાઈઝ પેપર્સ?
નોટબંધીની વર્ષગાંઠને એન્ટિ બ્લેક મની ડે તરીકે મનાવવામાં આવે તે પહેલાં કાળાનાણાને લઈને એક મોટો માહિતી વિસ્ફોટ થયો છે. આ જર્મનીના જીટોયચે સાઈટુંગ નામના એક સમાચાર પત્રે કર્યો છે કે જેણે 18 મહિના પહેલાં પનામા પેપર્સનો ખુલાસો કર્યો હતો. 96 મીડિયા ઓર્ગેનાઈઝેશન સાથે મળીને ઈંટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ દ્વારા પેરાડાઈઝ પેપર્સ નામના દસ્તાવેજો અંગે ખુલાસો કરવામાં આવ્યો છે.
આ પેરાડાઈઝ પેપર્સમાં 1.34 કરોડ દસ્તાવેજોનો સમાવેશ થાય છે. જેમાં એવી ફર્મો અને ખોટી કંપનીઓ વિશે જણાવવામાં આવ્યું છે કે જે દુનિયાભરમાં અમીર અને તાકાતવાન લોકોના પૈસા વિદેશમાં મોકલવા માટે મદદ કરે છે. પેરાડાઈઝ પેપર્સ લીકમાં પનામા જેમ જ કેટલાય ભારતીય રાજનેતાઓ, અભિનેતાઓ અને વ્યાપારીઓના નામ સામે આવ્યાં છે.