મુંબઈ – રોકડ રકમ કાઢવા માટે એટીએમ મશીન (ઓટોમેટેડ ટેલર મશીન) શોધવાનું નજીકના ભવિષ્યમાં મુશ્કેલ બને એવી સંભાવના છે, કારણ કે આવા મશીનોની સંખ્યા છેલ્લા બે વર્ષમાં ધીમે ધીમે ઘટી રહી છે.
આનું કારણ રોકડ સુવિધા પર લોકોનું આશ્રિતપણું ઘટી ગયું હોવાનું નથી. એનાથી ઊલટું, રોકડ સોદાઓનું પ્રમાણ તો વધ્યું છે. ભારતીય રિઝર્વ બેન્કે જાહેર કરેલા આંકડા પરથી આ માલુમ પડ્યું છે. હકીકત એ છે કે રિઝર્વ બેન્કે નિયમો કડક બનાવી દીધા હોવાથી ATM મશીનની જાળવણી મોંઘી થઈ ગઈ છે.
એટીએમ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોએ આપેલી જાણકારી મુજબ, એટીએમની દેખભાળ સહિત અન્ય ખર્ચમાં ગયા એક વર્ષમાં 40 ટકાનો વધારો થયો છે. એની સામે આવકમાં વધારો થયો નથી. તેથી ઘણા એટીએમ ઓપરેટર્સ એટીએમ બંધ કરવાની તૈયારીમાં છે.
કોન્ફેડરેશન ઓફ એટીએમ ઈન્ડસ્ટ્રી (CATMi)એ ગયા વર્ષે એવો અંદાજ મૂક્યો હતો કે 2019ના પહેલા બે મહિનામાં દેશભરમાં 1,13,000 એટીએમ બંધ થઈ શકે છે. તેણે એમ પણ કહ્યું છે કે એટીએમ અપગ્રેડ કરવા અંગેના નવા નિયમોનું પાલન કરવામાં એટીએમ ઉદ્યોગને માથે આશરે રૂ. 3,000 કરોડનો ખર્ચ આવી પડવાની સંભાવના છે. સુરક્ષાના હેતુસર એટીએમના હાર્ડવેર અને સોફ્ટવેરને અપગ્રેડ કરવાનું રિઝર્વ બેન્કે ગયા વર્ષે ફરજિયાત બનાવ્યું હતું.
ભારત જેનું સભ્ય છે તે BRICS ગ્રુપના દેશોમાં પ્રત્યેક એક લાખ લોકો માટે સૌથી ઓછા એટીએમ મશીનો ભારતમાં છે.
એટીએમ ઘટશે તો મોબાઈલ બેન્કિંગને ઉત્તેજન મળશે. દેશભરમાં આજકાલ મોબાઈલ ફોન પરથી સોદાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં મોબાઈલ બેન્કિંગ સોદાઓની સંખ્યા 65 ગણી વધી છે.
એટીએમ ઓપરેટરો એમને મળતી ફી પર આશ્રિત છે, પણ એ હવે એમને ઘણી ઓછી લાગે છે. એમાં વધારો થાય એવું તેઓ ઈચ્છે છે, પણ ઉદ્યોગની સમિતિ પરવાનગી આપતી નથી. રોકડ ઉપાડનાર વ્યક્તિ જે બેન્કનું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ વાપરે એ બેન્કને એટીએમ ઓપરેટરો રૂ. 15ની ઈન્ટરચેન્જ ફી ચાર્જ કરે છે.
બેન્કોને આ ફી ચૂકવવાનું સસ્તું પડે છે. પોતાના એટીએમ ઓપરેટ કરવાને બદલે એમને અન્ય બેન્કોને ઈન્ટરચેન્જ ફી ચૂકવવાનું સસ્તું પડે છે.
એટીએમ મશીનો સંભાળવાનું મોંઘું પડવા પાછળનું કારણ ઓછી ઈન્ટરચેન્જ ફી છે એવું નિષ્ણાતો માનતા નથી, કારણ કે એમનું કહેવું છે કે ઓપરેટરો ઊંચા ચાર્જિસ આખરે ગ્રાહકોને માથે જ નાખતા હોય છે.