મુંબઈ: નેશનલ સ્ટોક એક્સચેન્જની એનએસઈ ઈન્ડાયસીસ લિમિટેડે વિશ્વની પદ્ધતિઓના કરેલા અભ્યાસ અને બજારના સહભાગીઓ પાસેથી પ્રાપ્ત થયેલાં મંતવ્યોના આધારે એનએસઈ ઈન્ડાયસીસમાં સમાવિષ્ટ સ્ક્રિપ્સના ડિમર્જરના કિસ્સામાં નિફ્ટી ઈક્વિટી ઈન્ડેક્સની ગણતરીની પદ્ધતિમાં સુધારો કરવાનું નક્કી કર્યું છે.
અત્યારે ઈન્ડેક્સમાાં સમાવિષ્ટ કોઈ પણ સ્ક્રિપ કે જે ડિમર્જરની એરેન્જમેન્ટ સ્કીમ ધરાવતી હોય અને તે તેના બિઝનેસ ડિવિઝનને અન્ય અલગ કંપની તરીકે ડિમર્જર કરી રહી હોય તે કંપનીને જ્યારે શેરહોલ્ડરો એરેન્જમેન્ટ સ્કીમ મંજૂર કરે કે તરત જ ઈન્ડેક્સમાંથી પડતી મૂકવામાં આવે છે અને તેને સ્થાને અન્ય પાત્ર કંપનીનો સમાવેશ કરવામાં આવે છે. (આ બાબત એવા ઈન્ડાયસીસને લાગુ પડે છે, જેમાં સ્ક્રિપ્સની સંખ્યા નિશ્ચિત છે). જે ઈન્ડાયસીસમાં સ્ક્રિપ્સની સંખ્યા નિશ્ચિત નથી એવા ઈન્ડાયસીસમાં પણ ડિમર્જર કંપની માટે આ જ નિયમને અત્યારે અનુસરવામાં આવે છે.
એવા ઈન્ડાયસીસ કે જેમાં સમાવિષ્ટ કંપનીઓના એનએસઈમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સના સોદા થતા હોય તો તેવી ડિમર્જર થનારી કંપનીના કિસ્સામાં ઈન્ડાયસીસમાં ફેરફારની જાહેરાત ચાર સપ્તાહ પૂર્વે કરવામાં આવે છે.
હવે જે નવા સુધારા કરવામાં આવ્યા છે એ મુજબ જો એક્સચેન્જ દ્વારા સ્પેશિયલ પ્રિ-ઓપન સેશન હાથ ધરવામાં આવશે તો ડિમર્જ કંપનીને ઈન્ડેક્સમાં જાળવી રાખવામાં આવશે. એ ઉપરાંત અલગ થયેલો વેપાર કે હસ્તીને કંપનીના એક્સ-ડિમર્જર બંધ ભાવ અને એક્સ-ડિમર્જર દિવસના સ્પેશિયલ પ્રિ-ઓપન સેશન દરમિયાનના ભાવના ફરકે ઈન્ડેક્સમાં સમાવવામાં આવશે.
જે વેપાર કે હસ્તી અલગ કરવામાં આવશે તે નવી લિસ્ટેડ હસ્તી હશે અને તેને લિસ્ટિંગના ત્રીજા દિવસના અંતે ઈન્ડેક્સમાંથી બહાર કરવામાં આવશે.
આ ત્રણ દિવસમાંથી પ્રથમ બે દિવસ જો પ્રાઈસ બેન્ડ્સને સ્પર્શશે તો તેને ઈન્ડેક્સની બહાર કરવાનું બીજા ત્રણ દિવસ માટે મોકૂફ રાખવામાં આવશે.અલગ થયેલો વેપાર કે હસ્તી સતત બે દિવસ પ્રાઈસ બેન્ડને ન સ્પર્શે એ જોયા બાદ તેને આવું નિરીક્ષણ કર્યાના ત્રીજા દિવસે ઈન્ડેક્સ બહાર કરવામાં આવશે.
જો ત્રીજા દિવસે પણ ડિમર્જ્ડ હસ્તીને પ્રાઈસ બેન્ડ લાગુ પડશે તો પણ તેના શેરને ઈન્ડેક્સમાંથી બહાર કરવાનું મોકૂફ રાખવામાં નહિ આવે.
જો એક્સચેન્જ દ્વારા સ્પેશિયલ પ્રી-ઓપન સેશન યોજવામાં આવ્યું ન હોય તો ડિમર્જ કરાયેલી કંપનીને એક્સ-ડિમર્જર તારીખે ઈન્ડેક્સમાંથી બહાર કરવામાં આવશે અને નિશ્ચિત સંખ્યાના ઈન્ડાયસીસમાં અન્ય પાત્ર કંપનીનો સમાવેશ કરવામાં આવશે. જે ઈન્ડાયસીસમાં સ્ક્રિપ્સની નિશ્ચિત સંખ્યા ફરજિયાત નથી તેવા ઈન્ડાયસીસમાંથી ડિમર્જ કંપનીના સ્થાને અન્ય કંપનીનો સમાવેશ કરવામાં આવશે નહિ.
