મુંબઈ તા.19 જૂન, 2023: એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ (એનએસઈ આઈએકસ)ની નવી બ્રાન્ડ “ગિફ્ટ નિફ્ટી’’નું ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (આઈએફએસસી)ના ચેરપર્સન ઈંજેતી શ્રીનિવાસના હસ્તે કરવામાં આવ્યું હતું. અત્યારે સિંગાપોર એક્સચેન્જમાં એસજીએક્સ નિફ્ટી હેઠળ પ્રોડક્ટ્સ ઓફર કરવામાં આવે છે તેને ત્રીજી જુલાઈથી સંપૂર્ણપણે ગિફ્ટ નિફ્ટી હેઠળ ઓફર કરવાની કામગીરીના ભાગરૂપે આ નવી બ્રાન્ડને લોન્ચ કરવામાં આવી છે, જેમાં ભારતની વિકાસ યાત્રામાં વિશ્વના રોકાણકારોને ઉપલબ્ધ તક પ્રતિબિબિંત થાય છે.
શ્રીનિવાસે કહ્યું કે, ‘આઈએફએસસી આંતરરાષ્ટ્રીય નાણાકીય સર્વિસીસની આવશ્યકતાઓને પૂરી કરવા આઈએફએસસીને વૈશ્વિક મથક તરીકે વિકસાવવા કૃતનિશ્ચયી છે. ભારતના વિકાસમાં આંતરરાષ્ટ્રીય રોકાણકારોના વધતા પ્રભાવને જોતાં, ગિફ્ટ નિફ્ટી ભારતીય ઇક્વિટીના વ્યાપક ફલકને પામવા માટેની તક પૂરી પાડે છે. એનએસઈ નાઈનને ગિફ્ટ નિફ્ટી બ્રાન્ડ અને કોર્પોરેટ ઓળખના અનાવરણ નિમિત્તે હું અભિનંદન આપું છું.’
એનએસઈના સીઈઓ અને એમડી આશિષકુમાર ચૌહાણે કહ્યું, ‘ગિફ્ટ નિફ્ટીની નવી ઓળખ વિશ્વના રોકાણકારોને ભારતની વિકાસ યાત્રામાં સામેલ થવાની અનોખી તક અને દિશા પૂરી પાડે છે. વિશ્વના રોકાણકારો ગિફ્ટ સિટી ખાતેના એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ મારફત નિફ્ટી પ્રોડક્ટ્સને પ્રાપ્ત કરી શકશે. વડા પ્રધાન ગિફ્ટ સિટીને વિશ્વમાં સૌથી મોટા પ્રાઈસ સેટર તરીકે ઊભરતું જોવા માગે છે અને તેમાં ગિફ્ટ નિફ્ટીની ભૂમિકા ઉદ્દીપક બની રહેશે.’
એનએસઈ આઈએકસના એમડી અને સીઈઓ વી. બાલાસુબ્રહ્મણિયમે કહ્યું કે, ‘ગિફ્ટ નિફ્ટી વિશ્વના રોકાણકારોને અમેરિકી ડોલરમાં ટ્રેડ થતાં નિફ્ટી પ્રોડક્ટ્સ ઓફર કરે છે. ગિફ્ટ સિટીના ઈતિહાસમાં આ એક પરિવર્તનશીલ પ્રકરણ બની રહેશે અને આઈએફએસસી ખરા અર્થમાં વૈશ્વિક બની રહેશે.’
એનએસઈ આઈએકસ અને એસજીએક્સ વચ્ચેનું વ્યૂહાત્મક જોડાણ ગિફ્ટ નિફ્ટીના ઓર્ડર્સ એસજીએક્સના મેમ્બર્સ પાસેથી પ્રાપ્ત કરવાનું શક્ય બનાવશે, જે એનએસઈ આઈએફએસસી મારફત પાર પાડવામાં આવશે. પ્રારંભમાં બજારના સહભાગીઓ ગિફ્ટ નિફ્ટી 50, ગિફ્ટ નિફ્ટી બેન્ક, ગિફ્ટ નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસીસ અને ગિફ્ટ નિફ્ટી આઈ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ એનએસઈ આઈએકસ પર કરી શકશે અને બાદમાં અન્ય પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે. આ કોન્ટ્રેક્ટ્સ લગભગ 21 કલાક માટે ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે.