મુંબઈઃ આને તમે 2021ની સાલનો અત્યાર સુધીનો સૌથી મોટો છબરડો કહી શકો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ ગઈ કાલે શનિવારે તેના ફોલોઅર્સને જબરદસ્ત આંચકો આપ્યો હતો, જ્યારે બપોરે 12.15 વાગ્યે એણે બોલીવૂડની ગ્લેમરસ અભિનેત્રી મૌની રોયની માદક તસવીરોને પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કરી હતી. ભૂલ થયાનું માલૂમ પડ્યા બાદ તરત જ એનએસઈ દ્વારા એ પોસ્ટને ડિલીટ કરી દેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તો અસંખ્ય લોકોએ એના સ્ક્રીનશોટ્સ લઈને છબરડાને સોશિયલ મિડિયા પર વાઈરલ કરી દીધો હતો અને એ વિશે ચર્ચા પણ ખૂબ થઈ.
પોસ્ટ વાઈરલ થયા બાદ નેશનલ સ્ટોક એક્સચેન્જે બાદમાં સત્તાવાર માફી પણ રિલીઝ કરી હતી. જેમાં તેણે કહ્યું કે એનએસઈના એકાઉન્ટને હેન્ડલ કરતી એજન્સીની તે એક માનવ ભૂલ હતી અને તેમનું સત્તાવાર ટ્વિટર હેન્ડલ હેક કરાયું નહોતું. એનએસઈ ઈન્ડિયા લિમિટેડ દેશનું અગ્રગણ્ય શેરબજાર છે, જે મુંબઈમાં આવેલું છે. એનો ઈન્ડેક્સ ‘નિફ્ટી 50’ (ટોચના 50 શેર સાથે ભારતીય મૂડીબજારના બેરોમીટર) તરીકે ઓળખાય છે.